રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ પોતાના હક્ક માટે રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. વર્ષ ૨૦૧૦ પહેલાં ભરતી થયેલા શિક્ષકોને ટીઇટી પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષક સંગઠનોના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ૨૦ જૂન સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર ધરણાં યોજવામાં આવશે. અલગ-અલગ તારીખે જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવશે. શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ બંને પોતાના સ્તરે અલગ કાર્યક્રમો યોજીને આ મુદ્દે દબાણ વધારવાનો પ્રયાસ કરશે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તમામ શિક્ષકો માટે શિક્ષક પાત્રતા પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોવાનો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયના પગલે વર્ષ ૨૦૧૦ પહેલાં નિયુક્ત થયેલા અંદાજે એક લાખ જેટલા શિક્ષકો સામે નોકરી જાળવી રાખવા માટે ટીઇટી પાસ કરવાનો પડકાર ઊભો થયો છે. શિક્ષકોને વર્ષ ૨૦૨૮ પહેલાં ટીઇટી પરીક્ષા પાસ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.
આ મુદ્દે શિક્ષક સંગઠનોનું કહેવું છે કે વર્ષ ૨૦૧૦ પહેલાં ટીઇટી પરીક્ષાની વ્યવસ્થા અસ્તીત્વમાં નહોતી અને તે સમયના ભરતી નિયમો અનુસાર જ તેમની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષોનો અનુભવ ધરાવતા શિક્ષકોને ફરીથી પરીક્ષા આપવી પડે તે યોગ્ય નથી અને તેમને આ નિયમમાંથી મુક્તિ મળવી જાઈએ.
શિક્ષક આગેવાનોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપતા અનુભવી શિક્ષકોને નવી શરતોના આધારે મુશ્કેલીમાં મૂકવાને બદલે સરકાર દ્વારા માનવતાવાદી અને વ્યવહારુ અભિગમ અપનાવવો જાઈએ. હવે આગામી દિવસોમાં શિક્ષકોનું આંદોલન સફળ થશે કે ખેડૂતોના આંદોલનની જેમ જ શિક્ષકોનું આંદોલનનું પણ સુરસુરિયું થઇ જશે તે જાવાનું રહ્યું.








































