અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં સિંહણના હુમલામાં એક યુવકનું દુઃખદ મોત થતાં વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ઘટનાના અનુસંધાને વન વિભાગે બે સિંહોને પકડી લીધા છે, જ્યારે એક સિંહબાળનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યું કરવામાં આવ્યું છે.
ઘટનાને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે વન વિભાગ સંપૂર્ણ સાવચેતી સાથે કામગીરી કરી રહ્યું છે અને આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું કે રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ટ્રેકરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે, જેથી સિંહોની હિલચાલ પર વધુ અસરકારક રીતે નજર રાખી શકાય અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
પ્રાપ્ત માહિતી મુજબ, મૃત્યુ પામનાર યુવક રાજુલાની એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. તે પોતાના વતન જવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં સિંહણે તેના પર હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ, મોનિટરિંગ અને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ લોકોને સાવચેતી રાખવા અને જંગલ વિસ્તાર અથવા સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં એકલા ન જવાની અપીલ કરી છે.વન વિભાગે ખાતરી આપી છે કે માનવ-વન્યજીવ સંઘર્ષની આવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં વધુ કડક અને અસરકારક પગલાં અમલમાં મૂકવામાં આવશે.









































