ગુજરાતના બે મુખ્ય શહેરો, અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા અલગ-અલગ ઈ-મેઈલ મારફતે સરકારી કચેરીઓ અને પ્રતિષ્ઠિત સંસ્થાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ ધમકીઓ એક જ નહીં પણ અલગ-અલગ ઈ-મેઈલ આઈડી પરથી મોકલવામાં આવી છે. જેમાં ચોક્કસ સમયનો ઉલ્લેખ કરીને દહેશત ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઓફિસ (અમદાવાદ): બપોરે ૩ઃ૧૧ પીએમ કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી. મુખ્યમંત્રી કાર્યાલય (ગાંધીનગર): રાત્રે ૧૧ઃ૧૧ પીએમ કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી અને આરએસએસ કચેરી: સાંજે ૫ઃ૧૧ પીએમ કલાકે બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઈમેલમાં ૧૦ જૂનથી ૩૦ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન અલગ-અલગ સ્થળોએ શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીને નિશાન બનાવતો ઈમેલ મળતા જ અફરાતફરી મચી ગઈ હતી. ધમકી મળતાની સાથે જ સાવચેતીના ભાગરૂપે આખી બિલ્ડીંગને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ જ કચેરીમાં મેયર, કમિશનર અને મનપાના તમામ ઉચ્ચ હોદ્દેદારોની ઓફિસો આવેલી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર બિલ્ડીંગનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રીની ઓફિસ અને આરએસએસ જેવી સંવેદનશીલ કચેરીઓને ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્થીયાં આવ્યા છે અને તેની પાછળ કોનો હાથ છે તેની ટેકનિકલ તપાસ કરી રહી છે.











































