પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ અત્યંત તંગ બની ગઈ છે. રાવલકોટ શહેરમાં પોલીસ અને પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલા પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ડઝનો લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
માહિતી મુજબ, રાવલકોટમાં એક વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ અચાનક બેકાબૂ બની ગઈ હતી. પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધતા હિંસક અથડામણ સર્જાઈ હતી. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ઘટનામાં ૩ સામાન્ય નાગરિકોના મોત થયા છે અને આશરે ૪૦ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, પોલીસ વિભાગના અહેવાલ મુજબ અથડામણમાં ૪ પોલીસ અધિકારીઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ૨૩થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
આ હિંસા એવા સમયે સામે આવી છે જ્યારે ‘જાઇન્ટ અવામી એક્શન કમિટી’ દ્વારા આગામી દિવસોમાં મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં જ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સરકારનું માનવું છે કે સંગઠનની કેટલીક પ્રવૃત્તિઓ સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે.સ્થાનિક સૂત્રો મુજબ, આંદોલન પહેલા જ વધતા તણાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતા વધી ગઈ છે.
સુરક્ષા કારણોસર પીઓકેના અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ટેલિકોમ સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. મુઝફ્ફરાબાદ સહિતના મહત્વના વિસ્તારોમાં વધારાની સુરક્ષા ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે.પાકિસ્તાન ફેડરલ પોલીસ અને રેન્જર્સના જવાનોને પણ સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા છે જેથી કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય.
સ્થાનિક લોકો માત્ર પ્રતિબંધિત સંગઠન સામેની કાર્યવાહીના વિરોધમાં જ નહીં, પરંતુ વીજળીની અછત, વધતી મોંઘવારી, બેરોજગારી, વિકાસના અભાવ અને રાજકીય પ્રતિનિધિત્વ જેવા મુદ્દાઓને લઈને પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.વિશ્લેષકોના મતે, આર્થિક અને સામાજિક પ્રશ્નોને લઈને લોકોમાં લાંબા સમયથી અસંતોષ હતો, જે હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે.
વધતા તણાવને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને પ્રવાસીઓ માટે ખાસ એડવાઇઝરી જાહેર કરી છે. જૂન મહિનાના મધ્ય સુધી સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે.હાલ સમગ્ર વિસ્તાર સુરક્ષા દળોની નજર હેઠળ છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.







































