આજથી શાળાઓનું વેકેશન ખુલી ગયું છે. આ સાથે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. બાળકોની શાળાઓ શરૂ થવાની સાથે મોંઘવારીથી પરેશાન વાલીઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભાવમાં સતત વધારો થવાને કારણે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં ભાવ વધારા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.
એક તરફ સીએનજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં શાળાનું નવું સત્ર શરૂ થવાની સાથે વાલીઓને ઝટકો લાગ્યો છે. સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા રિક્ષાના ભાડામાં ૧૦૦ રૂપિયા અને વાનના ભાડામાં ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં આજથી ખાનગી, સરકારી શાળા-કોલેજા શરૂ થઈ ગઈ છે. નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૦૨૭ની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ એક તરફ વાલીઓ સ્કૂલ ફી, સ્કૂલ ડ્રેસ અને અન્ય જરૂરી વસ્તુઓમાં વધેલા ભાવને કારણે પરેશાન છે. પરંતુ હવે રિક્ષા અને વાનના ભાડામાં પણ વધારો થયો છે.
નોંધનીય છે કે તાજેતરમાં સીએનજી ગેસની કિંમતમાં સતત વધારો થયો છે. વર્તમાનમાં ૧ કિલો સીએનજીનો ભાવ ૮૮ રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેવામાં સ્કૂલ વર્ધી એસોસિએશને ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે. ૧ કિલોમીટરનું રિક્ષા ભાડું ૭૫૦ રૂપિયાથી વધારી ૮૫૦ રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે સ્કૂલ વાનના ભાડામાં ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.










































