વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજુલા તાલુકાના વડ ગામ ખાતે પર્યાવરણના રક્ષણ માટે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી સ્વ. ભીમબાપુ આપાભાઈ બોરીચાના સ્મરણાર્થે બનેલા વૃક્ષમંદિરના આંબાના બગીચામાં દેશી કુળના વૃક્ષોનું વાવેતર કરાયું હતું. આ આયોજન આશરે ત્રણ વિઘા વિસ્તારમાં પક્ષીઓ અને પ્રાણીઓના આશ્રય માટે કરવામાં આવ્યું છે. રામકુભાઈ બોરીચા, ખોડુભાઈ બોરીચા, રુદ્રરાજ બોરીચા સહિતના અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.રાજુલા નેચર ક્લબના પ્રમુખ વિપુલભાઈ લહેરીએ ચિંતા વ્યક્ત કરી કે તોકતે વાવાઝોડાના કારણે ઝાંપોદર અને ઊંચૈયા જેવા વિસ્તારોમાં ઊંચા વૃક્ષો ધરાશાયી થતાં ગીધોના આશ્રયસ્થાનો નષ્ટ થયા છે. આથી, ગીધોના સંરક્ષણ માટે સરકારે આ વિસ્તારમાં વહેલી તકે ‘જટાયુ વન’ બનાવવું જોઈએ.









































