ખાંભા તાલુકાના અનીડા ગામના બસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. બાઈક બગડી જતાં રિક્ષામાં બેસીને આવી રહેલા એક પરિવારને રોંગ સાઇડથી પૂરઝડપે આવતા હળ જોડેલા ટ્રેક્ટરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૨ વર્ષની માસૂમ બાળકી અને તેના માતા-પિતા રિક્ષામાંથી રોડ પર ફંગોળાઈ જતાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાંભામાં રહેતા હસમુખભાઇ ભાણાભાઇ શિયાળ, તેમના પત્ની સોનલબેન અને તેમની ૨ વર્ષની દીકરી હિયા તા. ૦૫/૦૬/૨૦૨૬ના રોજ પોતાનું મોટરસાયકલ લઈને બાબાપુરથી ખાંભા આવી રહ્યા હતા. આ દરમિયાન વાવડી ગામ પાસે અચાનક તેમનું મોટરસાયકલ બગડી ગયું હતું. આથી તેમણે એક માલવાહક રિક્ષા ભાડે કરી તેમાં પોતાનું બાઈક ચડાવ્યું હતું અને પરિવાર સાથે રિક્ષામાં બેસી ખાંભા આવવા રવાના થયા હતા. રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે આ રિક્ષા અનીડા ગામના બસ સ્ટેશન નજીક પહોંચી ત્યારે સામેથી રોંગ સાઇડમાં એક ટ્રેક્ટર ધસમસતું આવ્યું હતું. ટ્રેક્ટર ચાલક ધર્મેશભાઈ રમણીકભાઈ બાલધાએ પોતાના હવાલાવાળું હળ જોડેલું ટ્રેક્ટર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવી રિક્ષા સાથે ધડાકાભેર ભટકાવ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા સીધી રોડ નીચે ઉતરી ગઈ હતી અને રિક્ષામાં બેઠેલો પરિવાર રોડ પર ફંગોળાયો હતો.માતા-પુત્રીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેમને પીઠ અને પેટના ભાગે ગંભીર આંતરિક ઈજા પહોંચી હતી.







































