સગીરા બાળકીઓને પ્રેમની લાલચ આપીને ભગાડી જવા અને તેમના શોષણના કેસમાં નવસારી જિલ્લા પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશના બે આરોપી યુવાનોને દોષિત ઠેરવીને ૨૦-૨૦ વર્ષના કડક કારાવાસની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે બંને પીડિતા સગીરાઓને ગુજરાત વિકટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.
આ સમગ્ર ઘટના નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની છે. વર્ષ ૨૦૨૫માં ખેરગામમાં મજૂરી કરીને જીવન ગુજારતા એક પરિવારની બે સગી બહેનો આરોપીઓની જાળમાં ફસાઈ ગઈ હતી. આરોપીઓએ સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપી હતી. ૧૫ વર્ષની સગીરાને આરોપી ભોલા કાળુ કશ્યપે અને ૧૬ વર્ષની સગીરાને માંગે ચંદ્રપાલ કશ્યપે વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના વાયદા સાથે ઉત્તર પ્રદેશ ભગાડી ગયા હતા.
ઉત્તર પ્રદેશ પહોંચ્યા બાદ બંને આરોપીઓએ સગીરાઓ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન પરિવારજનોને દીકરીઓના ગાયબ થવાની જાણ થતાં તેમણે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ મહેનતના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ખેરગામ પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી અને બંને આરોપીઓને ધરપકડ કરી નવસારી લઈ
આભાર – નિહારીકા રવિયા આવી હતી. સાથે જ પોલીસે બંને સગીરાઓને સકુશળ શોધી કાઢીને તેમના માતા-પિતાને સોંપી દીધી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોક્સો એક્ટ, દુષ્કર્મ અને સગીરાના અપહરણની કલમો હેઠળ ગુનો નોંધીને કેસ કોર્ટમાં ચલાવ્યો હતો.
નવસારીની વિશેષ પોક્સો કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાવેશ ગુપ્તાએ મજબૂત દલીલો અને પુરાવા રજૂ કર્યા હતા. પીડિતાઓના નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાના આધારે કોર્ટે આરોપીઓનો ગુનો પુરવાર માન્યો હતો.
સરકારી પક્ષના વકીલ ભાવેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે સગીરા બાળકીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું જીવન બરબાદ કરવું એ ગંભીર ગુનો છે. આવા ગુનાઓ સમાજ માટે કલંકરૂપ છે. તેથી કોર્ટે બંને આરોપી ભોલા કાળુ કશ્યપ અને માંગે ચંદ્રપાલ કશ્યપને ૨૦-૨૦ વર્ષના સખત કારાવાસની સજા ફટકારી છે. સજા ઉપરાંત કોર્ટે માનવતાના ધોરણે મહત્વનો નિર્ણય કરતા જણાવ્યું કે, ગુનાના કારણે પીડિતાઓને થયેલી માનસિક અને શારીરિક યાતનાને ધ્યાનમાં લઈને તેમને ‘ધ ગુજરાત વિકટીમ કમ્પનસેશન સ્કીમ’ હેઠળ એક-એક લાખ રૂપિયાનું આર્થિક વળતર આપવામાં આવે.









































