અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ને શહેરભરમાંથી જંગી પ્રતિસાદ મળ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતા આ અભિયાનમાં માત્ર એક જ દિવસે ૭,૦૦૦થી વધુ નાગરિકોએ શ્રમદાન કરીને ૫૬ ટન કચરો દૂર કર્યો હતો.
ચાર દિવસ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન કુલ ૨૦,૩૦૦થી વધુ નાગરિકો જાડાયા હતા અને સાબરમતી નદીના પટ તેમજ આસપાસના વિસ્તારોમાંથી કુલ ૧૯૮ ટન કચરાનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન પર્યાવરણ પ્રત્યેની સામાજિક જવાબદારી અને જનભાગીદારીનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે.
અભિયાનની શરૂઆત ૨ જૂને થઈ હતી, જેમાં ૭,૫૦૦થી વધુ નાગરિકોએ ભાગ લઈને ૬૮ ટન કચરો દૂર કર્યો હતો. ત્યારબાદ ૩ જૂને ૨,૭૦૦ નાગરિકોએ ૩૪ ટન કચરાનો નિકાલ કર્યો હતો, જ્યારે ૪ જૂને ૩,૧૦૦ નાગરિકોની ભાગીદારીથી વધુ ૪૦ ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ અભિયાનને વધુ વેગ મળ્યો હતો અને હજારો નાગરિકોએ ઉત્સાહપૂર્વક સફાઈ અભિયાનમાં જાડાઈને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ મહાઅભિયાનમાં ૫૦થી વધુ એનજીઓ, ૨૦થી વધુ કોર્પોરેટ અને પીએસયુ સંસ્થાઓ, સામાજિક સંગઠનો, હોમગાર્ડના જવાનો, એનસીસી કેડેટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો. સાબરમતીને સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત બનાવવાના એક જ સંકલ્પ સાથે વિવિધ વર્ગોના લોકો એક મંચ પર આવ્યા હતા.
અભિયાન દરમિયાન નાગરિકોને સ્વચ્છતા જાળવવા, કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સહભાગીઓએ પર્યાવરણના જતન માટે વ્યકતીગત તેમજ સામૂહિક સ્તરે સતત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’ માત્ર સફાઈ અભિયાન પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની સંવેદના, જનશ અને સામૂહિક જવાબદારીનું શક્તિશાળી પ્રતીક બની રહ્યું છે. સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે મળેલો જનસહયોગ એ સાબિત કરે છે કે પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારી જ સૌથી મોટી શક્તિ છે. આ અભિયાન ભવિષ્યમાં નદીઓને પ્લાસ્ટીક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે પ્રેરણાદાયી જનસંદેશ બની રહ્યું છે.








































