સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે રહેતા નર્મદાબેન સાંગાણીએ વર્ષ ૨૦૧૨માં કિશોરભાઈ મુલાણી પાસેથી ખરીદેલી સંપૂર્ણ ક્લિયર ટાઇટલવાળી જમીનનો કબજો ૧૪ વર્ષથી તેમની પાસે હોવા છતાં તેની કાચી નોંધ પડી ન હતી. વૃધ્ધાના પૌત્રની રજૂઆત બાદ ઇ-ધરા કચેરી દ્વારા કાચી નોંધ પાડવામાં આવી હતી, પરંતુ તેને પ્રમાણિત કરવા માટે દસ્તાવેજ લખનાર મારફત રૂ.૨૫,૦૦૦ની લાંચ માંગવામાં આવી હતી. ગરીબ વૃધ્ધાએ નાણાં આપવાની અશક્તિ દર્શાવતા અને લાંચ ન મળતા જવાબદાર અધિકારી દ્વારા કોઈ પણ કાયદાકીય ખામી વગર બીજે જ દિવસે પ્રત્યાઘાતી પગલાં રૂપે નોંધ નં. ૪૬૪૦ નામંજૂર કરી દીધી હતી. આ ભ્રષ્ટાચાર અને અન્યાય સામે ન્યાય મેળવવા માટે વૃધ્ધ મહિલા અને તેમના પૌત્રએ અમરેલી જિલ્લા પોલીસ વડા સમક્ષ વિગતવાર અરજી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.






































