કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈમાં આયોજિત સિટી ઇન્ડિયા કોન્ફરન્સ ૨૦૨૬માં વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્ય પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે ભારત વિશ્વના સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું હોવા પર ભાર મૂક્યો હતો અને ઉત્પાદન, વ્યવસાયિક સુગમતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અપનાવવા અને વૈશ્વીક વેપાર જોડાણને મજબૂત કરવા માટે સરકારના ચાલી રહેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી.
વૈશ્વીક રોકાણકારો અને વ્યાપારી અગ્રણીઓને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઓળખાય છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશ ભવિષ્યમાં બે દાયકાથી વધુ સમય સુધી આ સ્થાન જાળવી રાખશે. તેમણે નોંધ્યું હતું કે ભારતે બદલાતા ભૌગોલિક રાજકીય અને આર્થિક સંજાગોને અનુરૂપ પ્રક્રિયાઓ અને વ્યવસાયિક વ્યૂહરચનાઓને પુનઃસ્થાપિત કરીને કટોકટીઓને સતત તકોમાં રૂપાંતરિત કરી છે, જ્યારે વેપાર, વ્યવસાય, ઉત્પાદન અને રોકાણો માટે આકર્ષક સ્થળ તરીકે અકબંધ રહ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં રોકાણકારો અને વ્યાપારી અગ્રણીઓ સાથેની તેમની તાજેતરની મુલાકાતોએ ભારતના આર્થિક પરિદ્રશ્યમાં મજબૂત વૈશ્વીક વિશ્વાસ દર્શાવ્યો છે. ભારતમાંથી અત્યાર સુધીના સૌથી મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે કેનેડાની તેમની મુલાકાતનો ઉલ્લેખ કરતા, તેમણે પ્રસ્તાવિત ભારત-કેનેડા મુક્ત વેપાર કરાર માટે મળેલા સકારાત્મક પ્રતિસાદ અને પેન્શન ફંડ્સ, વીમા કંપનીઓ અને અન્ય સંસ્થાકીય રોકાણકારો તરફથી મજબૂત રોકાણ રસ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ અને આશરે ૫૦ કંપનીઓ સાથેની ચર્ચાઓએ ભારતને એકમાત્ર વિશ્વસનીય વૈકલ્પીક ઉત્પાદન હબ, એક વિશ્વસનીય ભાગીદાર અને લોકશાહી, કાયદાના શાસન, નિર્ણાયક નેતૃત્વ, ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને ૧.૪ અબજ લોકોના વિશાળ ગ્રાહક બજાર દ્વારા સમર્થિત સુરક્ષિત રોકાણ સ્થળ તરીકેની છબીને વધુ મજબૂત કરી છે.
ગોયલે અવલોકન કર્યું કે લાંબા ગાળાની વૈશ્વીક મૂડી વધુને વધુ ભારત તરફ જોઈ રહી છે. ન્યૂયોર્ક અને ટોરોન્ટોના અગ્રણી રોકાણકારો સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે દરેક ચર્ચાએ ભારતના ભવિષ્યના વિકાસના માર્ગમાં વિશ્વાસ મજબૂત કર્યો છે. તેમણે ટિપ્પણી કરી હતી કે રોકાણકારો માટે પ્રશ્ન એ નથી કે ભારતમાં રોકાણ કરવું કે નહીં, પરંતુ તેઓ કેટલી ઝડપથી ભારતની વિકાસ ગાથાને ઓળખે છે અને તેમાં ભાગ લે છે તે છે.
ભારતમાં સફળ લાંબા ગાળાના રોકાણોના ઉદાહરણો પર પ્રકાશ પાડતા, મંત્રીશ્રીએ વર્ષ ૧૯૯૯ માં આશરે ૨૦૦ મિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે હ્યુન્ડાઈના ભારતમાં પ્રવેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે નોંધ્યું હતું કે તે સમયે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદાઓ હોવા છતાં, કંપનીએ ભારતમાં ઉત્પાદન કામગીરી દ્વારા વર્ષોથી નોંધપાત્ર મૂલ્ય ઊભું કર્યું છે અને ડિવિડન્ડ, રોયલ્ટી અને મૂડી વૃદ્ધિ દ્વારા નોંધપાત્ર વળતર મેળવ્યું છે. તેમણે જેસીબીના ભારતના અનુભવને પણ ટાંક્યો હતો, અને જણાવ્યું હતું કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ હજી પ્રારંભિક તબક્કામાં હતો ત્યારે કંપનીએ દેશમાં પ્રવેશ કર્યો હતો અને આજે વધતી જતી સ્થાનિક માંગને પહોંચી વળવાની સાથે ભારતમાં ઉત્પાદિત ઉત્પાદનોની નિકાસ લગભગ ૧૩૦ દેશોમાં કરે છે. તેમણે કહ્યું કે આ ઉદાહરણો સ્થાનિક અને વૈશ્વીક બંને બજારો માટે મોટા પાયે ઉત્પાદનને ટેકો આપવાની ભારતની ક્ષમતા દર્શાવે છે.
મંત્રીશ્રીએ વિશ્વ સાથે ભારતના વિસ્તરી રહેલા વેપાર જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં નવ મુક્ત વેપાર કરારોસાઇન કર્યા છે, જે ૩૮ વિકસિત અર્થતંત્રોને આવરી લે છે. તેમણે નોંધ્યું હતું કે આ કરારો બજારની પહોંચ વિસ્તારીને, વેપારને સરળ બનાવીને, પ્રતિભાઓની હેરફેરને સક્ષમ કરીને અને ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સની સ્થાપના સહિતના રોકાણોને આકર્ષીને ભારતની વિકાસ ગાથામાં પૂરક બની રહ્યા છે.
વૈશ્વીક રોકાણકારોને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા માટે આમંત્રિત કરતા, શ્રી ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત માત્ર એક મોટું અને વધતું જતું બજાર નથી પરંતુ તે નવીનતા, ડિઝાઇન અને અદ્યતન ઉત્પાદનનું કેન્દ્ર પણ છે. તેમણે રોકાણકારોને નવી ટેક્નોલોજીઓ અને ભવિષ્યના ઉદ્યોગો તરફ ભારતના સંક્રમણને ટેકો આપવા માટે ધૈર્યવાન અને લાંબા ગાળાની મૂડી લાવવા વિનંતી કરી હતી.









































