શહેરમાં ડુપ્લિકેટ ચલણી નોટોનો ઉપયોગ કરીને વેપારીઓને છેતરવાનું મોટું કૌભાંડ બહાર આવતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. સચીન પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી કાર્યવાહી કરીને માત્ર ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ૫૦૦ના દરની કુલ ૩૨૨ ડુપ્લીકેટ નોટો મળી આવી છે, જેની કુલ કિંમત અંદાજે ૧.૬૧ લાખ થાય છે. આ કેસને માત્ર છેતરપિંડી નહીં પરંતુ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો ગંભીર પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ૧૭ મે ૨૦૨૬ના રોજ સચીન-પલસાણા ટી પોઈન્ટ નજીક બકરાનું વેચાણ કરતા રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના દાદાજીકરેડા ગામના રહેવાસી અને વેપારી ભવારલાલ જયચંદ ભાગરીયા પાસે ચાર શખ્સો પહોંચ્યા હતા. આરોપીઓએ બે બકરાની ખરીદી કરી હતી. એક બકરાની કિંમત ૨૫ હજાર નક્કી થતા કુલ સોદો ૫૦ હજારનો થયો હતો. આરોપીઓએ વેપારીને ૫૦૦ની ૧૦૦ નોટો આપી બકરા લઈ સ્થળ પરથી નીકળી ગયા હતા. પરંતુ બીજા દિવસે વેપારીએ નોટો તપાસતા ચોંકી ઉઠ્યા. અનેક નોટોના નંબર એકસરખા જાવા મળતા શંકા ગઈ હતી. વધુ તપાસ કરતા ૧૦૦માંથી ૯૭ નોટો ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું. ત્યારબાદ વેપારીએ સચીન પોલીસનો સંપર્ક કર્યો.
ફરિયાદના આધારે સચીન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૭૯, ૧૮૦, ૩૧૮(૪), ૫૪, ૬૧ અને ૩(૫) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આ ગુનાને ગંભીરતા સાથે લઈ તેને માત્ર છેતરપિંડી નહીં પરંતુ ચલણી વ્યવસ્થા અને અર્થતંત્ર સામેનો ખતરો ગણાવ્યો. પોલીસ કમિશ્નર સ્તરેથી આરોપીઓને ઝડપવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ સચીન પોલીસ, સર્વેલન્સ સ્ટાફ અને ટેકનિકલ ટીમે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.
સર્વેલન્સ ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ ઉલ્ફત આલમ સતાર શેખ (ઉંમર ૩૨ વર્ષ) – હાલ લિંબાયત વિસ્તારમાં રહેતો, મૂળ ઝારખંડનો નાઝીર અનુલ અંસારી (ઉંમર ૩૩ વર્ષ) – ટેમ્પો ડ્રાઇવર, લિંબાયત નિવાસી, મૂળ ઝારખંડનો મો. રઈસ રશીદ સિદ્દીકી (ઉંમર ૪૯ વર્ષ) – સિલાઈ કામ સાથે સંકળાયેલ, મૂળ ઉત્તર પ્રદેશનો મોહમ્મદ જમાલ અબ્દુલ સતાર શેખ (ઉંમર ૩૪ વર્ષ) – વેપાર સાથે સંકળાયેલ, મૂળ ઝારખંડનો ચારેય આરોપીઓને અલગ અલગ સ્થળેથી ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી માહિતી સામે આવી હતી. મુખ્ય આરોપી મોહમ્મદ ઉલ્ફત શેખના ઓનલાઈન સેલિંગ માટે વપરાતા ગોડાઉનમાંથી ૫૦૦ના દરની ૨૦ ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. ત્યારબાદ તેના ઘરની તપાસ હાથ ધરતા વધુ ૨૦૫ નોટો મળી આવી હતી. પોલીસ પહોંચે તે પહેલાં આરોપીએ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હોવાની પણ માહિતી સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું કે, કેટલીક નોટો પાણીમાં પલાળી નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. અમુક નોટોને સળગાવી દેવાનો પણ પ્રયાસ થયો હતો. ઘરમાંથી બાળેલી નોટોના ટુકડા પણ મળી આવ્યા હતા. પોલીસે તમામ સામગ્રી કબ્જે કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. કુલ ૧.૬૧ લાખની ડુપ્લીકેટ નોટો જપ્ત. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૩૨૨ નકલી નોટો કબ્જે કરી છે, જેમાં તમામ નોટો ૫૦૦ની હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત થયેલી નોટોની કુલ કિંમત ૧,૬૧,૦૦૦ થાય છે.