અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાસક પક્ષે જ્વલંત સફળતા મેળવતા ૧૯૨ વોર્ડમાંથી ૧૬૦ વોર્ડ કબ્જે કરી ભગવો લહેરાવ્યો હતો. આ ચૂંટણી વિજયને મહિનો પૂરો થતાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ કમિટીના સભ્યોને ચૂંટવાની તૈયારી શરૂ થઈ છે.તેમની આવતીકાલે ચૂંટણી થશે. આના પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દા માટે પણ ફોર્મ ભરવામાં આવ્યા છે અને સ્ટેન્ડીગ કમિટીના ૧૨ સભ્યો માટે ૨૧ સભ્યોએ ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત મંગળવારે બોર્ડ પહેલા નવ જણા ફોર્મ પરત ખેંચશે તે સુનિશ્ચિત છે. મંગળવારે સવારે ૧૦ વાગે એજન્ડા બેઠક મળશે. આ એજન્ડા બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીગ કમિટીના હોદ્દેદારો નકકી થશે.

આશ્ચર્યની વાત તો એ છે કે કોંગ્રેસના બે સભ્યોએ પણ ઉમેદવારી કરી છે. તેઓએ મેયર અને ડેપ્યુટી મેયરના હોદ્દા માટે ફોર્મ ભર્યા છે. અસરાર બેગ મિર્ઝા અને મોનાબેન પ્રજાપતિએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના બે જણાએ ફોર્મ ભરતા ભાજપની અંદર કાનાફૂસી પણ શરૂ થઈ ગઈ છે. તેમને થયું કે તેઓએ શું કામ ફોર્મ ભર્યુ હશે. જા કે કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે તેઓ તો ફક્ત લોકશાહીને મજબૂત કરવા માટે તેમનો ધર્મ નીભાવી રહ્યા છે અને લડત આપ્યા વગર હારી જવામાં માનતા નથી.
અમદાવાદમાં સ્ટેન્ડીગ કમિટીના સભ્યોના દાવેદારોમાં જાઈએ તો વિધાનસભા મતવિસ્તાર દીઠ બે દાવેદારોએ ફોર્મ ભર્યા છે. કમલેશ પટેલ અને જૈનિક વકીલ તેના માટે પ્રબળ દાવેદાર છે. આ સિવાય પરેશ લાખાણી અને રાજેશ પટેલ પણ દાવેદાર છે. સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન માટે ચાર મુખ્ય દાવેદાર છે. આગામી દિવસોમાં આ ચૂંટણીનું હવે શું પરિણામ આવવાનું છે તેના પર બધાની નજર છે.