બાબરા નગરપાલિકામાં આજે ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોએ પૂજા વિધિ કરીને પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. નગરપાલિકાના ઉપપ્રમુખ યજ્ઞેશ શુક્લ દ્વારા શુદ્ધિકર્મ વિધિ પણ કરવામાં આવી હતી. નવી કામગીરી શરૂ કરીને નવનિયુક્ત હોદ્દેદારોએ શહેરના વિકાસ, નાગરિકોની સુવિધાઓ અને પારદર્શક વહીવટ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે જ નગરપાલિકા પર રહેલા બાકી બિલોના ભાર, અગાઉ લાગેલી ભ્રષ્ટાચારની છબીને દૂર કરવા માટે સકારાત્મક અને પરિણામલક્ષી કામગીરી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રંજનબેન પરવાડીયા, ઉપપ્રમુખ યજ્ઞેશ શુક્લ, કારોબારી ચેરમેન ભરત રંગપરા, પક્ષના નેતા શીવુભાઇ ખાદા તેમજ દંડક મનીષાબેન સરવૈયાએ વિધિવત રીતે પોતાની જવાબદારી સંભાળી હતી. આ પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના સર્વાંગી વિકાસ માટે જે પણ જરૂરી પગલાં હશે તે લેવાશે.