સરહદી જિલ્લા વાવ-થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. વાવ-થરાદ એસઓજી પોલીસે બાતમીના આધારે લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ૩ શખ્સોની ધરપકડ કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલા આરોપીઓમાં થરાદ નગરપાલિકાના ભાજપના નગરસેવકનો ભાઈ પણ સામેલ છે.
વાવ-થરાદ એસ.ઓ.જી.ની ટીમે વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ સ્વિફ્ટ કારને રોકી હતી. જ્યારે કારની તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી અંદાજે ૨,૦૦,૨૫૦ રૂપિયાની કિંમતનું ૬૬.૭૫ ગ્રામ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે ડ્રગ્સ, કાર અને અન્ય સામગ્રી મળીને કુલ ૭,૧૨,૭૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં સુરેશભાઈ ડાયાભાઈ ત્રિવેદી, રાણારામ ગજારામ ચૌધરી અને બાબુભાઈ હીરાજી પઢીયારનો સમાવેશ થાય છે. આ ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. કારણ કે, ઝડપાયેલો મુખ્ય આરોપી સુરેશ ત્રિવેદી, થરાદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર ૫ના કોર્પોરેટર (નગરસેવક) મહેશભાઈ ડાયાલાલ ત્રિવેદીનો સગો ભાઈ છે. એટલું જ નહીં, પકડાયેલો અન્ય આરોપી બાબુભાઈ પઢીયાર પણ ભાજપ સાથે સંકળાયેલો કાર્યકર હોવાની સ્થાનિક સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.
વાવ થરાદ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે આઈજી રક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રબારી અને પીએસઆઈ પી.વી. ધોકડિયાની ટીમે વાવ-થરાદ હાઈવે પરથી થરાદ તરફ આવતી Âસ્વફ્ટ કાર (નંબરઃજીજે-૦૧-આરડબ્લ્યુ ૪૦૦૪)ને રોકીને આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રાણારામ ચૌધરી પાસેથી આ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને થરાદ વિસ્તારમાં પહોંચાડવા અને મંગાવવામાં સુરેશ ત્રિવેદી અને બાબુભાઈ પઢીયારની સંડોવણી હતી. હાલ તો થરાદ પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. પરંતુ સવાલ એ છે કે, આ નશાનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે? આ ડ્રગ્સ ક્યાંથી લવાયું હતું અને કોને સપ્લાય કરવાનું હતું? પોલીસ હાલ આ સમગ્ર સપ્લાય ચેઈનનો પર્દાફાશ કરવા વધુ તપાસ ચલાવી રહી છે. રાજકીય કનેક્શન ધરાવતા લોકોના નામ ડ્રગ્સ કેસમાં સામે આવતા હવે અનેક સવાલો ઉભા થયા છે. જાવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ નશાના કાળા કારોબારના મૂળ ક્યાં સુધી પહોંચે છે.