શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડો રૂપિયાના દાગીનાની ચોરીના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં અગાઉ મહિલા આરોપી હર્ષિદા શેટ્ટીની ધરપકડ બાદ હવે તેના પ્રેમી અને ફરાર આરોપી મયુર માળીની પણ નિકોલ પોલીસે અમદાવાદ રિંગ રોડ પરથી ધરપકડ કરી છે. ત્યારે સમગ્ર મામલે તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરીના કાવતરાનો માસ્ટરમાઈન્ડ મયુર જ હતો.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં દર્શનભાઈ આભૂષણ નામનો સોના-ચાંદીનો શો રૂમ ચલાવે છે. દર્શનભાઈના આ શોરૂમમાં અલગ અલગ પોસ્ટ પર કુલ ૧૯ જણા કામ કરે છે. જેમાં હર્ષિદા શેટ્ટી નામની આ યુવતી પણ સેલ્સ ગર્લ તરીકે કામ કરી રહી હતી. શો રૂમમાં બધું જ રાબેતા મુજબ ચાલતું હતું જાકે ગત ૧૧ મેના રોજ સાંજના સમયે શો રૂમમાંથી કરોડો રૂપિયાના દાગીના ચોરી ખડભળાટ મળ્યો હતો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચતા આ ચોરી અન્ય કોઈએ નહીં પણ શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદાએ જ કરી હોવાનો ભાંડાભોડ થયો હતો.
પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મયુર માળી છેલ્લા ઘણા વર્ષોથી પરિવાર સાથે અમદાવાદમાં રહેતો હતો. તેણે પોતાની પ્રેમિકા હર્ષિદાને જ્વેલરી શોરૂમમાં ચોરી કરવા માટે પ્રેરિત કરી હતી. બંનેએ ચોરી બાદ રાજ્ય બહાર જઈ નવી જિંદગી શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જાકે પોલીસની ઝડપી કાર્યવાહીથી તેમનો પ્લાન નિષ્ફળ ગયો અને તે સમયે પોલીસે હર્ષિતાને પકડી પાડી હતી. જાકે તેનો બોયફ્રેન્ડ મયુર હાલ સુધી ફરાર હતો, જેને પોલીસે હાલ અમદાવાદ રિંગ રોડ પરથી પકડી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. મયુર અને હર્ષિદા વચ્ચે છેલ્લા ૧૧ મહિનાથી પ્રેમ સંબંધ હતો. બંનેની મુલાકાત એક બિઝનેસ સમિટ દરમિયાન થઈ હતી અને ત્યારબાદ બંને નજીક આવ્યા હતા. હર્ષિદા પોતાના પતિથી અલગ રહેતી હતી અને તેના વ્યક્તિગત જીવનમાં પણ અનેક સમસ્યાઓ ચાલી રહી હતી. બંનેએ સાથે નવી જિંદગી શરૂ કરવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો.જાકે ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ હર્ષિતાને પણ તેના પ્રેમી મયુરે દગો આપ્યો હતો.
મયુર અને હર્ષિદાએ ૧૧ મેના રોજ ચોરીને અંજામ આપવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે તે દિવસે શોરૂમમાં બે માલિક પૈકી માત્ર એક જ હાજર હતો અને મોટાભાગનો સ્ટાફ રજા પર હતો. પરિસ્થિતિ અનુકૂળ હોવાથી બંનેએ કરોડોની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી બાદ બંને સૌથી પહેલા ઉદયપુર ગયા હતા. ત્યારબાદ જયપુર, દિલ્હી અને ઋષિકેશમાં ફર્યા હતા. ચોરી બાદ હર્ષિતા અને મયુર બંને એક હોટેલમાં રોકાયા હતા ત્યારે કોઈ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન હર્ષિદા નાહવા ગઈ ત્યારે મયુર સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો.
નોંધનીય છે કે, અગાઉ આ મામલે પોલીસે હર્ષિદા પાસેથી રૂ. ૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે હવે મયુર પાસેથી રૂ. ૧૬ લાખનું સોનું મળી આવ્યું છે. જ્યારે બાકીનો મુદ્દામાલ રાજસ્થાનમાં છુપાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા તેને શોધવા માટે પોલીસની ટીમ કામગીરી કરી રહી છે. ત્યારે હાલ હર્ષિદા ૨૨ મે સુધી પોલીસ રિમાન્ડ પર છે જ્યારે મયુરની ધરપકડ બાદ બંનેની સામસામે પૂછપરછમાં હજુ વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આખા અમદાવાદમાં ચકચારી બનેલા આ કેસ પર હાલ તમામની નજર ટકેલી છે