અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી પાસે આવેલા ખોડિયાર મંદિરની બાજુમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી ફાયર કંટ્રોલરૂમને એક ટેલિફોનિક માહિતી મળી હતી કે, ભરતભાઈ ગોવિંદભાઈ રામાણીની વાડીમાં આવેલાં ઝૂંપડાઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર ટીમ તુરંત જ ઘટનાસ્થળ પર રવાના થઈ ગઈ હતી. ત્યાં પહોંચીને ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કમનસીબે બે ઝૂંપડાં બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયાં હતાં, પરંતુ ફાયર ટીમની સમયસૂચકતાથી આજુબાજુના પાંચ ઝૂંપડાંને આગથી બચાવી લેવામાં આવ્યા હતા.