બગસરા નગરપાલિકા દ્વારા મંગળવારે જ નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી, પરંતુ આ જ દિવસે પાલિકાની વહીવટી શિથિલતા પણ સપાટી પર આવી ગઈ છે. શહેરના આવાસ કોલોની વિસ્તારમાં લાંબા સમયથી અનિયમિત પાણી મળતું હોવાના કારણે સ્થાનિક મહિલાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પાલિકા વિરુધ્ધ ‘હાય હાય’ ના નારા લગાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ સમગ્ર મામલે જ્યારે પાણી વિતરક કર્મચારીને પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ટેકનિકલ ખામીનું બહાનું કાઢતા જણાવ્યું કે મોટરનું સ્ટાર્ટર બળી ગયું છે. જો કે, ત્યાં હાજર એક જાગૃત નાગરિકે જ્યારે ઘટનાસ્થળે જઈને ખાતરી કરી, ત્યારે પાણીની મોટર બિલકુલ ચાલુ હાલતમાં જોવા મળી હતી. આ ઘટનાથી સાબિત થાય છે કે કર્મચારીઓ પોતાની ફરજ પ્રત્યે કેટલા નિષ્કાળજી દાખવે છે, જેથી લોકોમાં આવા જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. બીજી તરફ, બગસરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ નીરવભાઈ ગોંડલીયાનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આજથી આ વિસ્તારના લોકોને નિયમિત પાણી મળતુ થઈ જશે.