અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયાથી ચારણીયા તરફ જવાના રોડ પર રાત્રિના આશરે નવ વાગ્યે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક પરપ્રાંતિય મજૂર યુવાન પોતાનું બાઇક લઇને વડિયા તરફ આવી રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ઇકો કારે તેને જોરદાર હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનને માથાના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને વડિયા સિવિલ હોસ્પિટલ ખસેડી પીએમ અર્થેની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાનની ઓળખ ૨૫ વર્ષીય અર્જુન કાળુભાઇ ખરટે તરીકે થઇ છે. વડિયા પોલીસે તેના ભાઇ ભીમભાઇ ખરટેની ફરિયાદના આધારે GJ-૦૬-JQ-૦૫૬૯ નંબરની ઇકો કારના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સ્થાનિકોમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનો સામે કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ પ્રબળ બની છે.