નિકોલ વિસ્તારમાં આવેલી “આભૂષણ જવેલર્સ”માં થયેલી કરોડોની ચોરીના ગુનાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે દુકાનમાં નોકરી કરતી મહિલા કર્મચારી જ સમગ્ર ચોરીકાંડની મુખ્ય આરોપી નીકળી છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી તેની પાસેથી આશરે ૨૨ લાખ ૫૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
નિકોલના ગ્રેવિટી શોપિંગ મોલમાં આવેલી “આભૂષણ જવેલર્સ” દુકાનમાંથી ૧૧ મે ૨૦૨૬ના રોજ અંદાજે ૧ કરોડ ૬૬ લાખ ૮૮ હજાર રૂપિયાથી વધુના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. બનાવ બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી આશરે ૩૦૦ જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. સાથે જ હ્યુમન સોર્સિસ અને ટેકનીકલ એનાલિસિસના આધારે તપાસ આગળ વધારતા દુકાનમાં કામ કરતી હર્ષિદા રાજેન્દ્રકુમાર શેટ્ટી પર શંકા ગઈ હતી. પોલીસે તેને ઝડપી પાડી સઘન પૂછપરછ કરતા સમગ્ર કેસનો ભેદ ખુલ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એ.પી. જેબલિયાએ જણાવ્યું હતું કે, આ કેસમાં ટેકનીકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. આરોપીએ ખૂબ જ ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો.તપાસમાં સામે આવ્યું કે આરોપી હર્ષિદાએ તેના મિત્ર મયુર માલી સાથે મળીને અગાઉથી જ ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
પ્લાન મુજબ હર્ષિદાએ દુકાનમાંથી સોનાના દાગીના ચોરી કર્યા બાદ બંને બુલેટ બાઈક પર પહેલા ઉદયપુર, ત્યારબાદ જયપુર અને પછી દિલ્હી ભાગી ગયા હતા. જાકે દિલ્હીની એક હોટલમાં રોકાણ દરમિયાન સહઆરોપી મયુર માલી તમામ સોનાના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો અને હર્ષિદાને એકલી મૂકી નાસી ગયો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી મહિલાની ધરપકડ કરી તેની પાસેથી સોનાના દાગીના તેમજ મોબાઇલ ફોન મળી કુલ ૨૨ લાખ ૫૪ હજાર ૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીને વધુ તપાસ માટે નિકોલ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી મયુર માલીની શોધખોળ ચાલુ છે.







































