બનાસકાંઠા જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં નવપરિણીત ડોક્ટર દંપતીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતને પગલે ધાનેરા તાલુકાના એટા ગામ અને સમગ્ર દરજી સમાજમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, ધાનેરાના એટા ગામના વતની ડોક્ટર મિતેષ દરજી અને તેમના પત્ની હેતલ દરજી નળ સરોવર ખાતે ફરવા ગયા હતા. રવિવારની રજા માણીને જ્યારે તેઓ પોતાની બાઈક પર પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થઈ ગઈ હતી. બાઈક પરથી કાબૂ ગુમાવતા દંપતી સીધું જ રોડ સાઈડની દીવાલ સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

આ ઘટનાની સૌથી વધુ કરુણતા એ છે કે મિતેષભાઈ અને હેતલબેનના લગ્ન હજુ ગત જાન્યુઆરી મહિનામાં એટલે કે માત્ર ચાર મહિના પહેલા જ થયા હતા. જે ઘરમાં હજુ લગ્નની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો, ત્યાં આજે આક્રંદ અને માતમ જાવા મળી રહ્યો છે. દંપતીના અકાળે અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ડોક્ટર દંપતીના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ એટા ગામ સહિત બનાસકાંઠાના દરજી સમાજમાં ભારે આઘાત જાવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ યુવાન જોડીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. હાલમાં સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.