રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે
ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાના કારણે ભેજવાળી ગરમી વધુ ત્રાસદાયી બની શકે છે.ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને આજે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયું છે.
સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી, જ્યાં મહત્તમ તાપમાન ૪૪.૫ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું. રાજકોટમાં ૪૩.૫ ડિગ્રી, અમરેલીમાં ૪૩.૩ ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.અમદાવાદમાં ૪૨.૧ ડિગ્રી, ડીસામાં ૪૨.૩ ડિગ્રી જ્યારે વડોદરા અને ભુજમાં ૪૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કંડલામાં ૪૨ ડિગ્રી, સુરતમાં ૪૧.૯ ડિગ્રી અને ભાવનગરમાં ૪૧.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વધતા તાપમાનને કારણે લોકોને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે
રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રીની વચ્ચે રહ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગરમી અત્યંત તીવ્ર જાવા મળી છે.હવામાન વિભાગ અનુસાર, આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં ગરમી અને ઉકળાટનું મિશ્રિત વાતાવરણ રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે લોકોને ‘રિયલ ફીલ’ તાપમાન વાસ્તવિક તાપમાન કરતાં વધુ અનુભવાઈ રહ્યું છે.કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં તીવ્ર ગરમીની આગાહી છે.
ગુજરાત રાજ્યમાં મે મહિનાની ગરમી પરાકાષ્ઠાએ પહોંચી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ગરમી અને બફારાને લઈને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી છે.ગુજરાતના મોટાભાગના ભાગોમાં તડકો તેની તીવ્રતા પર છે. તીવ્ર ગરમીને કારણે કર્ફ્યુ જેવી પરિસ્થિતિઓ બની જાય છે, જેના કારણે લોકો માટે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનનો પારો કેવો રહેશે તે અંગેની આગાહી જાઈએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, કાંઠાના વિસ્તારોમાં ‘હોટ એન્ડ હ્યુમિડ’નું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૯ અને ૨૦ મે દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે અસહ્ય ઉકળાટ અનુભવાશે. હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેવાના કારણે લોકોને પરસેવે રેબઝેબ થવું પડશે અને બફારો વધશે.








































