એક તરફ સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ગુજરાતમાંથી એક જ દિવસમાં કુલ ૫૦૦ કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પહેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૪૦૦ કિલો ચાંદી પકડાઈ છે. તો અમદાવાદમાં ગીતા મંદિર બસ સ્ટેશન પરથી એક લક્ઝરી બસમાંથી ૧૦૦ કિલો ચાંદી ઝડપાઈ છે.
ગુજરાતમાં ચાંદીની મોટાપાયે થઈ રહેલી હેરાફેરી સામે આવી છે. અમદાવાદમાં સ્ટેટ જીએસટીએ મોટી કાર્યવાહી કરીને ૧૦૦ કિલો ચાંદીનો જથ્થો પકડી પાડ્યો છે. ગીતામંદિરથી લકઝરી બસમાં રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી આ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ૮૦ ટકા જથ્થાનું કોઈ બિલ ના હોવાનું સામે આવ્યું છે. ચાંદીના મળી આવેલા જથ્થાનો કોઇએ ક્લેઇમ પણ નથી કર્યો. સ્ટેટ જીએસટીએ જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ, રાજકોટ ઈન્ટરનેશનલ હિરાસર એરપોર્ટ પરથી ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. અંદાજિત ૧૦ કરોડની કિંમતનો ૪૦૦ કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ ઝડપાયો હતો. સેન્ટ્રલ આઇબીને ચાંદીની હેરાફેરીની બાતમી મળી હતી. સેન્ટ્રલ આઈબી દ્વારા આ ગુજરાત એટીએસને જાણ કરવામાં આવી હતી. સંયુક્ત ઓપરેશનમાં ૪૦૦ કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો કબજે કરાયો છે. સમગ્ર મામલે સીજીએસટી તેમજ ઈન્કમટેક્સ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી શકે છે. ચાંદીનો શંકાસ્પદ જથ્થો શનિવારના રોજ મુંબઈથી રાજકોટ આવી રહેલી એર ઇÂન્ડયાના ફ્લાઈટમાં આવ્યો હતો. કાર્ગોમાં આવેલા સામાનની તપાસ દરમિયાન આ ખુલાસો થયો છે.
સમગ્ર મામલે તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે. ચાંદીનો શંકાસ્પદ જથ્થો વારાણસીની પેઢી દ્વારા રાજકોટની પેઢીને મોકલવામાં આવ્યો હતો. ઝડપાયેલ ચાંદીના જથ્થા મામલે પેઢીનું બિલ, મોકલનાર કોણ છે તે સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. ત્રણ શંકાસ્પદ વ્યÂક્તઓને એટીએસને સોંપવામાં આવ્યા.
તો રાજકોટ એરપોર્ટ પરથી ચાંદીના જથ્થા અંગે કોઈ માહિતી મળ્યા બાદ આવકવેરા વિભાગને પણ તપાસમાં જાડવામાં આવશે. વારાણસીથી મુંબઇ અને મુંબઈ થી રાજકોટ ચાંદીનો જથ્થો આવ્યો હતો. વારાણસી(કાશી)ની સનરાઈઝ પેઢીમાંથી ચાંદી મોકલવામાં આવ્યું હોવાની તપાસમાં ખૂલ્યું છે. રાજકોટના સામાંકાંઠા વિસ્તારના ચાંદીના વેપારીઓનો જથ્થો પહોંચાડવાનો હોવાથી ત્રણ જેટલા વેપારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. કુરિયર સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ચાંદીનો જથ્થો જાબ વર્ક માટે પહોંચાડવાનો હતો. ત્યારે અગાઉ આવા વ્યવહારો કેટલી વખત થયા, બીલિંગ પ્રોસેસ બરાબર થયા છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. ચાંદીના જથ્થાના અસલી માલિક કોણ તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.







































