ગુજરાતમાં દારૂબંધીના મોટા-મોટા બણગા ફૂંકવામાં આવે છે, પણ તાજેતરમાં વલસાડ રેલવે સ્ટેશનના પરિસરમાંથી સામે આવેલા વીડિયોને જાઈને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. કારણ કે વીડિયોમાં જાહેરમાં બે યુવકો સ્કૂટર પર બેસીને બિયર પીતા દેખાય છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે એક તરફ આ બંને સ્કૂટર પર બેસીને બિયર પી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમની સામે જ ખાખી વર્દીમાં રેલવે પોલીસના જવાનો પણ ઉભેલા દેખાઈ રહ્યા છે. ત્યારે હવે સવાલ ઉભા થાય છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે, તો આ શું અન્ય રાજ્યમાંથી બિયર લાવ્યા હતા? શું આ નબીરાઓને પોલીસનો જરાય ડર નથી રહ્યો? શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી છે?
વલસાડ રેલવે સ્ટેશનના પરિસરમાં બંને યુવકો બેખૌફ બિયર પી રહ્યા છે. આખી ઘટના દારૂબંધીના કાયદાને જાણે ખુલ્લી રીતે પડકારતી હોય તેમ લાગે છે. સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ તમામ દ્રશ્યોની બરાબર સામે ખાખી વર્દીમાં રેલવે પોલીસના જવાનો હાજર હતા, છતાં આ નબીરાઓ કોઈપણ જાતની બીક રાખ્યાં વગર બિયરના ઘૂટડાં પી રહ્યા છે.
આ વીડિયોને કારણે વલસાડ પોલીસની સમગ્ર કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં જાહેર સ્થળોએ આવી બેફામ રીતે દારૂ પીવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે, જે તંત્રની અસરકારકતા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં દારૂબંધીને લઈને ફરી ચર્ચાઓ જાગી છે, ત્યારે હવે વલસાડ પોલીસ દ્વારા શું એક્શન લેવામાં આવે છે તે જાવું રહ્યું.








































