શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક વિધર્મી યુવકે પોતાની ઓળખ છુપાવી સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલીસને જાણ થતાં આરોપીએ યુવતીને બંધક બનાવી હોવાનો આક્ષેપ છે. પોલીસ આ મામલે કાર્યવાહી કરતી ન હોવાથી હિન્દુ સંગઠનોએ ધરણા યોજ્યા હતા. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડના અરબાઝ ઉર્ફે અબુ નામના એક વિધર્મી યુવકે સોશિયલ મીડિયા પર જીયા નાયકા નામનું એક ફેક આઈડી બનાવી અને પીડિતા સાથે મિત્રતા કરી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ પોતાનું સાચું નામ અંકિત ધોડિયા પટેલ હોવાનું જણાવી અને યુવતીને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જોકે, ત્યારબાદ ભાંડો ફૂટતા જ અરબાઝે યુવતી પાસેથી મોબાઈલ લઈ પોતાના ઘરમાં બંધક બનાવી હતી. જોકે, યેનકેન પ્રકારે યુવતી છૂટી અને પોતાના ઘરે પહોંચી હતી અને પરિવારજનોને પણ સમગ્ર હકીકત જણાવી હતી.

સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ચકચાર મચી ગઈ હતી. થોડા સમય અગાઉ યુવતી અને તેના પરિવારજનોએ પોલીસને આ અંગે જાણ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે યુવતીએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલે કેસ દાખલ કરવાની માગ કરી હતી. શરૂઆતમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરતા આખરે હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને જાણ થતાં જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપી યુવક અને તેના પરિવારજનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માગ કરી હતી.

હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓની વાતને પણ પોલીસે કોઈ દાદ નહીં આપતા આખરે રોષે ભરાયેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ યુવતીના સમર્થનમાં પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેસી ગયા હતા. જેથી માહોલ ગરમાયો હતો. આખરે પોલીસે વિધર્મી યુવક અરબાઝ ઉર્ફે અબુની ધરપકડ કરી તેની મેડિકલ તપાસ કરાવવા સાથે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અરબાઝે અગાઉ પણ અનેક યુવતીઓને ફસાવી હોવાના આક્ષેપો સાથે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસને આ અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી. પોલીસે પણ હવે લોકોને અપીલ કરી છે કે, કોઈ યુવતી જો આ અરબાઝના દગાબાજીનો ભોગ બની હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરવી.

મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાં લવ જેહાદનો આ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ પણ અનેક વખત વિધર્મી યુવકોએ પોતાની સાચી ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી છે. તેમની સાથે દુષ્કર્મ આચરવાના કે લગ્ન કરી લેવાના બનાવો સામે આવી ચૂક્્યા છે. ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા લોકોમાં રોષ છે અને યુવક વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકો માગ કરી રહ્યા છે.