કોડીનારના ડોળાસા ગામની વતની અને જૂનાગઢની રહેવાસી કુ. જેન્શી દીપકભાઈ કાનાબારે ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાનો નાની ઉંમરમાં આઇટીએફ ટેનિસ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો રેકોર્ડ તોડ્‌યો છે. સાનિયા મિર્ઝાએ ૧૪ વરસ ૫ મહિના અને ૧૧ દિવસની ઉંમરમાં આ સિદ્ધિ હાંસલ કરી રેકોર્ડ સ્થાપિત કર્યો હતો, પણ જેન્શી કાનાબારે આ સિદ્ધિ સાનિયા મિર્ઝા કરતા ૧૧ દિવસ વહેલી પ્રાપ્ત કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની આઇટીએફ ટેનિસ ટુર્નામેન્ટમાં ૧૪ વરસ અને પાંચ માસની ઉંમર ધરાવતી જેન્શી કાનાબાર ૨૨ વર્ષીય ટેનિસ ખેલાડી સંદિપ્તી સિંઘ રાવ સામે ૪ સેટ પોઇન્ટનો બચાવ કરીને ૬-૩ અને ૭-૫ થી વિજય મેળવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. જેન્શી કાનાબાર અગાઉ પણ ઇતિહાસ રચી ચૂકી છે. તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં અંડર ૧૪ મહિલા વિભાગમાં ચેમ્પિયન થનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી.