અમરેલી જિલ્લાના રાંઢીયા ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી એક બોલેરો ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં ગાડીને ભારે નુકસાન થયું છે.આ અંગે લાલજીભાઇ નારણભાઇ પડસારીયા (ઉ.વ. ૪૦) એ પોલીસને જણાવ્યા મુજબ, તેમણે પોતાની બોલેરો ગાડી રાંઢીયા ગામે તેમના પિતાના ઘરની ડેલી સામે જાહેર બજારમાં પાર્ક કરી હતી. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે વાહનમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અજ્ઞાત કારણોસર લાગી હોવાનું મનાય છે. આગ એટલી વિકરાળ હતી કે બોલેરોનો બોનેટ અને કેબિનનો ભાગ સંપૂર્ણપણે સળગીને ખાખ થઈ ગયા હતા.આ ઘટનામાં અંદાજે રૂ.૨ લાખથી રૂ.૨.૨૫ લાખ જેટલું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે. કે. વાળા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.