અમરેલીના કેરિયા નાગસ ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત જળસંચય બેઠકમાં જળશક્તિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું કે પાણી એ માત્ર કુદરતી સંપત્તિ નથી પરંતુ આપણી આવનારી પેઢીનું ભવિષ્ય છે. તેમણે ખેત તલાવડી, બોર રિચાર્જ અને ચેકડેમ દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે ગ્રામજનોને આહવાન કર્યું હતું. જો આજે આપણે
જાગૃત થઈને ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’ રોકવાનો સંકલ્પ નહીં કરીએ, તો ભવિષ્યમાં ખેતી અને પશુપાલન સામે ગંભીર સંકટ ઊભું થઈ શકે છે. આ બેઠકમાં સરપંચ રાજુભાઈ મેવાળા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જળસંચયને એક સામાજિક જવાબદારી ગણીને ગ્રામજનોએ પણ સમૂહશક્તિ દ્વારા પાણી બચાવવા અને જળસ્તર ઊંચા લાવવાના પ્રયાસોમાં સહભાગી થવા માટે ઉત્સાહપૂર્વક મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.