ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા એપ્રિલ-૨૦૨૬માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર અમરેલી જિલ્લામાં કુલ ૬ નગરપાલિકાઓ અને ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ મહત્વપૂર્ણ લોકશાહી પર્વનું મતદાન આગામી તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ નિર્ધારિત કરવામાં આવ્યું છે અને તેની મતગણતરી ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચૂંટણીના સુચારુ સંચાલન માટે અમરેલીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ વિશેષ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મતદાન મથકની અંદર અને તેની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મતદારોને ડરાવવા, ધમકાવવા કે કોઈ ચોક્કસ ઉમેદવારની તરફેણમાં મત આપવા માટે દબાણ કરવું એ કાયદાકીય ગુનો ગણાશે. વધુમાં મતદાન મથકમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પણ પાબંદી રહેશે. મતદાન મથકમાં માત્ર અધિકૃત વ્યક્તિઓ જ પ્રવેશ કરી શકશે અને મતદારોએ શિસ્તબધ્ધ રીતે લાઈનમાં ઉભા રહી પોતાનો મતાધિકાર વાપરવાનો રહેશે. દિવ્યાંગ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે. આ આદેશો સમગ્ર જિલ્લામાં મતદાનના દિવસે અને જો પુનઃમતદાન યોજાય તો તે સમયે પણ કડક રીતે અમલી રહેશે.