અમરેલીની ‘અનુકંપા ફાઉન્ડેશન’ સંસ્થા વડીલો પ્રત્યેની ભક્તિ અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે. ડા. ભરત કાનાબારના નેતૃત્વમાં કાર્યરત આ સંસ્થા નિઃસહાય અને વયોવૃધ્ધ વડીલો માટે ‘આધુનિક શ્રવણ’ બનીને તેમને નિઃશુલ્ક તીર્થયાત્રા કરાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.તાજેતરમાં સંસ્થા દ્વારા અમરેલી જિલ્લાના ૨૫૦ સિનિયર સિટીઝનો માટે સોમનાથ-દ્વારકાની ત્રણ દિવસીય યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વલકુબાપુ અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ પાંચ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અને ડો. ભરત કાનાબારના સેવાકાર્યો જાણી વલકુબાપુએ તેમને ‘મહંત’ કહી બિરદાવ્યા હતા.
આ પ્રસંગે હકુભાએ ડા. કાનાબારને ‘૨૧મી સદીના શ્રવણ’ તરીકે બિરદાવ્યા હતા. અત્યાર સુધીમાં સંસ્થા કુલ ૮૫૦ વડીલોને તીર્થધામોના દર્શન કરાવી ચૂકી છે.યાત્રા દરમિયાન ૮૫ વર્ષના એક માજીએ પોતાના સ્વર્ગસ્થ પતિનો ફોટો સાથે રાખી તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી, જે દ્રશ્ય સૌના હૃદયને સ્પર્શી ગયું હતું. આ અભિયાનમાં
એસ.ટી. વિભાગ, પોલીસ તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો પ્રશંસનીય સહયોગ પ્રાપ્ત થયો હતો. ૧૫ એપ્રિલે સુરક્ષિત રીતે પરત ફરેલા વડીલોએ સંસ્થાની સેવાથી પ્રભાવિત થઈ અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા.









































