મણિપુરના ઉખરુલ જિલ્લામાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. ઘણા ઘરોને પણ આગ લગાવવામાં આવી હતી, અને કુકી અને નાગા આદિવાસી સમુદાયોના સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલી અથડામણમાં મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ અન્ય કુકી ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પહેલી ઘટના જિલ્લાના મુલ્લામ ગામ નજીક બની હતી, જ્યાં સુરક્ષા દળોએ સવારે ૧૧ઃ૨૫ વાગ્યે બે મૃતદેહ બહાર કાઢ્યા હતા.
મૃતકોની ઓળખ એલ. સિતલહોઉ અને પી. હાઓલાઈ તરીકે થઈ છે. બંનેને ગોળીઓના ઘા હતા અને તેઓએ છદ્માવરણ ગણવેશ પહેર્યો હતો. અગાઉ, સવારે લગભગ ૫ઃ૩૦ વાગ્યે, તાંગખુલ નાગા-પ્રભુત્વ ધરાવતા મુલ્લામ ગામમાં સશ† આતંકવાદી જૂથો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આ અથડામણ દરમિયાન, ગામની બહારના કેટલાક ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. કુકી ઓર્ગેનાઇઝેશન ફોર હ્યુમન રાઇટ્‌સ ટ્રસ્ટે બે “ગામ સ્વયંસેવકો” ની હત્યા અને મુલ્લામ અને સોંગફાલ ગામમાં ઘરો સળગાવવાની નિંદા કરી હતી. સંગઠને તાત્કાલિક  નોંધવાની અને સમયમર્યાદામાં તપાસની માંગ કરી હતી.
એક અલગ ઘટનામાં, કામજાંગ જિલ્લાના ચાટ્રિક ખુલ્લેનના રહેવાસી ૨૯ વર્ષીય એચ. જામંગનું શુક્રવારે વહેલી સવારે ઉખરુલ જિલ્લાના સિનાકેઇથેઈ ગામ નજીક સશસ્ત્ર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ ઘટનામાં અન્ય ચાર સ્વયંસેવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તાંગખુલ નાગા સમુદાયની સર્વોચ્ચ સંસ્થા, તાંગખુલ નાગા લોંગે, જમાંગની હત્યા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. એક નિવેદનમાં, સંગઠને જણાવ્યું હતું કે સિરારાખોંગ અને સિનાકેઇથેઈ વિસ્તારોમાં સતત પ્રવૃત્તિઓ અને વિક્ષેપોને કારણે નાગા ગ્રામ રક્ષકો પેટ્રોલિંગ પર તૈનાત હતા. તાંગખુલ નાગા સંગઠનોએ આ હુમલા માટે કુકી આતંકવાદીઓને દોષી ઠેરવ્યા છે, જ્યારે કુકી સંગઠનોએ કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે.