વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામની સીમમાં સોશિયલ મીડિયાના વળગણે એક હસતા-રમતા પરિવારનો માળો પીંખી નાખ્યો છે. ક્ષણિક આવેશ અને રીલ્સ બનાવવાની ઘેલછામાં એક ખેતમજૂરે પોતાના જ માલિકના પુત્રની નિર્મમ હત્યા કરી માનવતાને લાંછન લગાડ્‌યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે, જ્યાં એક સામાન્ય ઠપકો યુવાન માટે કાળ સાબિત થયો હતો.ઘટનાની વિગત મુજબ, મૃતક કર્ણદેવ વાળા રાત્રિના સમયે પોતાના ખેતરે હાજર હતા. તે સમયે ખેતરમાં મજૂરી કામ કરતો રવિ જેમાભાઈ કારોલીયા નામનો શખ્સ ખેતીકામ કરવાને બદલે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવામાં મશગૂલ હતો. રવિ બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી તેને જોખમી રીતે હવામાં ઉછાળી રહ્યો હતો, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવા આશયથી કર્ણદેવે તેને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. જોકે, પોતાને મળેલા આ ઠપકાને રવિએ મનમાં ખાર બાંધી લીધો હતો અને વેર વાળવાનું નક્કી કર્યું હતું.જ્યારે કર્ણદેવ રાત્રિના સમયે પોતાના બાઈક પર સવાર થઈ ખેતરેથી ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે માર્ગમાં ટાપી બેઠેલા રવિએ પાછળથી લોખંડની પાઈપ વડે હુમલો કરી તેમને નીચે પાડી દીધો હતો. રાક્ષસી વૃત્તિ ધારણ કરી ચુકેલા આરોપીએ “તને જીવતો નથી મૂકવો” તેમ કહી ગાળો ભાંડી હતી અને નિસહાય કર્ણદેવના માથા પર પથ્થરના ઉપરાછાપરી ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી. ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે તે હત્યા કર્યા બાદ મૃતકનું બાઈક લૂંટીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.પુત્રના મોતના સમાચાર મળતા જ પિતા અશોકભાઈ પર દુઃખનો પહાડ તૂટી પડ્‌યો હતો. લોહીલુહાણ હાલતમાં વહાલસોયા દીકરાના મૃતદેહને ખોળામાં રાખીને પિતા જે રીતે નિઃશબ્દ બની ગયા હતા, તે દ્રશ્ય જોઈ પથ્થર દિલના માણસની આંખમાં પણ આંસુ આવી જાય તેમ હતું. વડિયા પોલીસે અશોકભાઈની ફરિયાદના આધારે હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો.

હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
વડીયાના બાવીસી બરવાળા ગામે ખેતી માલિકના પુત્રએ સામાન્ય બાબતમાં ઠપકો આપ્યા બાદ તેનો ખાર રાખી આરોપી રવિ જેમા કરોલીયાએ ખેડૂત પુત્રને પાઈપનો ઘા ઝીંકી દીધા બાદ પથ્થર લઈને તૂટી પડ્યો હતો. પથ્થરના એકસાથે ઘા મારતા ખેડૂત પુત્ર લોહીલુહાણ થઈ ગયો હતો તેથી ખેડૂતપુત્રને ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાંજ છોડી આરોપી રવિ તેની બાઈક લઈને નાસી ગયો હતો. જા કે ત્યાં નિકળેલા અન્ય ખેડૂતોએ ઈજાગ્રસ્ત હાલતમાં કર્ણદેવને જાતા તાત્કાલિક તેમના પિતા અશોકભાઈ વાળાને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કર્ણદેવને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જા કે ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક ફરાર આરોપી રવિ કારોલીયાને કુંકાવાવના કોલડા ગામ પાસેથી બાઈક સાથે ઝડપી પાડ્યો હતો.