મહિલા અનામત ફરી ચર્ચામાં છે. કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની બેઠકો વધારવા માટે રજૂ કરેલા ખરડાને કારણે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો. વાસ્તવમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાનો કાયદો ૨૦૨૩માં પસાર થઈ જ ગયો છે પણ મોદી સરકારે ત્રણ નવા ખરડાને નિયમ ૬૬ હેઠળ આ પસાર થયેલા કાયદા સાથે જોડી દીધા અને મહિલા અનામતના અમલ માટે આ કાયદા પસાર થવા જરૂરી હોવાનો દાવો કર્યો તેના કારણે આ ચર્ચા છેડાઈ ગઈ છે.
મોદી સરકારે આ ત્રણ પૈકી પહેલો ખરડો લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને ૮૫૦ કરવાનો હતો. મોદી સરકાર કલમ ૮૧(૧)માં સુધારો કરવા માગતી હતી. બંધારણની કલમ ૮૧(૧) મુજબ લોકસભામાં મહત્તમ ૫૫૦ બેઠકો રાખી શકાય છે પણ મોદી સરકાર લોકસભાની બેઠકો વધારીને ૮૫૦ કરવા માગતી હોવાથી ૧૩૧મું બંધારણીય સુધારા બિલ રજૂ કરાયેલું. બંધારણીય સુધારા બિલ પસાર કરવા માટે લોકસભામાં હાજર સભ્ચોમાંથી બે તૃતિયાંશ સભ્યોનો ટેકો જોઈએ પણ વિપક્ષો એક થઈ ગયા તેથી આ બિલ પસારના થયું. તેના પરિણામે મોદી સરકારે સીમાંકન તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં મહિલા અનામત અંગેના બે ખરડા પર મતદાન નહીં કરવાનો નિર્ણય લઈને પીછેહઠ કરી દીધી. મોદી સરકાર કલમ ૮૨ને પણ હટાવવા માગતી હતી. આ કલમ સીમાંકન છેલ્લી વસતી ગણતરીના આધારે થવું જોઈએ પણ મોદી સરકાર ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે નવું સીમાંકન કરવા માગતી હતી.
લોકસભામાં બંધારણીય સુધારા બિલ પસાર ના થયું એ પછી ભાજપ અને વિપક્ષો વચ્ચે સામસામી આક્ષેપબાજી ચાલી રહી છે. ભાજપનો આક્ષેપ છે કે, કોંગ્રેસ સહિતના વિપક્ષો મહિલાઓના સશક્તિકરણના વિરોધી છે અને મહિલાઓને અનામત આપવા નથી માગતા તેથી આ ખરડો પસાર ના થવા દીધો. કોંગ્રેસ સહિતના વિપક્ષોનું કહેવું છે કે, મહિલા અનામતનો અમલ કરવા માટે લોકસભા કે રાજ્યોની વિધાનસભાઓની બેઠકો વધારવાની કોઈ જરૂર નથી. હાલની બેઠકોમાંથી જ ૩૩ ટકા બેઠકો અનામત રાખીને મહિલા અનામતનો અમલ શરૂ કરી શકાય છે. વિપક્ષોને લોકસભાની બેઠકો વધારાય તો દક્ષિણનાં રાજ્યોની બેઠકોનું પ્રમાણ ઘટી જશે એવો ડર પણ હતો. ભાજપ પોકાનું વર્ચસ્વ જાળવવા હિંન્દીભાષી રાજ્યોમાં બેઠકો વધારી રહી હોવાના આક્ષેપો પણ કરી રહ્યા છે.
આ બંનેમાંથી સાચું કોણ ?
મહિલા અનામત બિલને સમજીશું તો કોણ સાચું છે ને કોણ ખોટું છે એ સમજાશે. સાથે સાથે એ પણ સમજાશે કે, ભાજપ અને કોંગ્રેસ સહિતના વિપક્ષો એમ બંને પોતપોતાનું રાજકારણ રમે છે. આ રાજકીય દાવપેચના કારણે મહિલા અનામતનો અમલ અટવાયો છે.

મહિલા અનામતનો અમલ અત્યારે શક્ય છે ?
હા, બિલકુલ શક્ય છે. મહિલા અનામત બિલ ૨૦૨૩માં પસાર થઈ ગયું પછી તેનો અમલ કરવા આડે કોઈ અવરોધ બચ્યો નહોતો પણ તેનું સત્તાવાર નોટિફિકેશન બહાર નહોતું પડાયું તેથી અમલ નહોતો થયો. નારી શક્તિ વંદન અધિનિયમ (મહિલા અનામત અધિનિયમ, ૨૦૨૩) માટે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પડાયું પછી ૧૬ એપ્રિલ, ૨૦૨૬થી તેનો અમલ શરૂ થઈ ગયો છે તેથી કોઈ પણ રાજ્યની ચૂંટણીમાં તેનો અમલ કરી શકાય છે. હાલની લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાંની બેઠકોમાંથી જ ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખીને અમલ શક્ય જ છે. હવે પછી જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એ તમામ રાજ્યોમાં ૩૩ ટકા મહિલા અનામતનો અમલ કરવા માટે કોઈ મૂરત જોવાની જરૂર નથી.
મોદી સરકાર ઈચ્છે તો આવતા વર્ષે યોજાનારી દેશનાં ૭ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પછી જ તેનો અમલ કરી શકે છે. ફેબ્રુઆરી-માર્ચમાં ગોઆ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર એ પાંચ રાજ્યોની જ્યારે નવેમ્બર-ડીસેમ્બરમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી છે. સરકાર આ સાતેય રાજ્યોમાં હાલની બેઠકોમાંથી ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રખાવી શકે છે. એક રાજ્યમાં અમલ થાય એટલે આપોઆપ જ મહિલા અનામતના અમલનો રસ્તો ખૂલી જશે. એ પછી ૨૦૨૮માં થનારી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીઓમાં પણ સરળતાથી તેનો અમલ કરી શકાય તેમ છે. કાનૂની કે બંધારણીય રીતે કોઈ વિધ્ન નથી, જે પણ વિધ્નો છે એ રાજકીય જ છે.

મહિલા અનામતનો કાયદો અમલી બનવા છતાં અમલ કેમ થતો નથી ?
આ સવાલનો જવાબ સરળ છે. લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે ફરજિયાત અમલ રાખવાના કાયદાનો અમલ થાય તો પુરૂષ નેતાઓનો ગરાસ લૂંટાઈ જાય. લોકસભામાં જ ૩૩ ટકા મહિલા અનામતનો અમલ કરાય તો મહિલાઓ માટે ૧૮૧ બેઠકો કાયદેસર ખાલી રાખવી પડે. અત્યારે લોકસભામાં માત્ર ૭૪ મહિલાઓ છે. ૩૩ ટકા અનામત પ્રમાણે ૧૦૭ મહિલા સાંસદોની ઘટ છે.
મહિલા અનામત ફરજિયાત હોય તો અત્યારની સ્થિતીએ જ ૧૦૭ પુરૂષોની બેઠકો છિનવાઈ જાય. તેમાં કોનો કોનો વારો પડી જાય એ ખબર નથી પણ સૌથી વધારે ફટકો ભાજપ અને કોંગ્રેસના પુરૂષ નેતાઓને પડે કેમ કે ભાજપના લોકસભાના ૨૪૦ સભ્યોમાંથી માત્ર ૩૧ એટલે કે ૧૨.૯ ટકા મહિલાઓ છે જ્યારે કોંગ્રેસના લોકસભાના ૯૮ સભ્યોમાંથી ૧૪ એટલે કે ૧૪.૩ ટકા મહિલાઓ છે. ભાજપની મહિલા સાંસદોની સંખ્યા ૩૩ ટકા પ્રમાણે ૮૦ હોવી જોઈએ તેથી ૪૯ પુરૂષોની ટિકિટો કપાય જ્યારે કોંગ્રેસની મહિલા સાંસદોની સંખ્યા ૩૩ હોવી જોઈએ તેથી ૧૯ પુરૂષોની ટિકિટો કપાય.
આટલી મોટી સંખ્યામાં પુરૂષ સાંસદોની ટિકિટો કપાય તો બળવો થઈ જાય તેથી ભાજપ સરકાર લોકસભાની બેઠકો વધારવાનો ખરડો લઈ આવી કે જેથી હાલના પુરૂષ સાંસદોને કાપવા ના પડે ને બળવો ના થાય. કોંગ્રેસે લોકસભા બેઠકો વધારવાના ખરડાનો વિરોધ કર્યો કેમ કે તેને ખબર છે કે, લોકસભાની બેઠકો નહીં વધે ત્યાં સુધી ભાજપ મહિલા અનામતનો વિરોધ નથી કરવાનો. મહિલા અનામતનો અમલ ના થાય તો કોંગ્રેસને તકલીફ ના પડે તેથી કોંગ્રેસે બેઠકો વધારવાના કાયદાને પસાર ના થવા દઈને ટાઢા પાણીએ ખસ કાઢી દીધી. ભાજપ કોંગ્રેસની આ ચાલને ના સમજી શક્યો તેથી લોકસભામાં પછડાટ મળી.

મહિલા અનામતનો અમલ ક્યારે થશે ?
ભારત સરકારે નારી શક્તિ વંદન અધિનિયમ (મહિલા અનામત અધિનિયમ, ૨૦૨૩) માટે સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડીને ૧૬ એપ્રિલ, ૨૦૨૬થી અમલી બનાવતાં કાયદેસર રીતે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ અમલમાં આવી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે ૧૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ નોટિફિકેશન બહાર પાડીને ૧૦૬મા બંધારણીય સુધારા કાયદાનો અમલ શરૂ કર્યો છે. મતલબ કે, મહિલા અનામત અમલી બની ગઈ છે. મહિલા અનામત ૧૫ વર્ષ માટે છે અને ભવિષ્યમાં તેને લંબાવી શકાશે.અલબત્ત તેનો અમલ ક્યારે થશે એ સ્પષ્ટ નથી કેમ કે ફરજિયાત મહિલા અનામતના કાયદાનો અમલ આગામી વસ્તી ગણતરી અને તેના આધારે થનારા સીમાંકનના આધારે થશે.
ભારતમાં દર ૧૦ વરસે વસતી ગણતરી થાય છે એ હિસાબે ૨૦૨૧માં વસતી ગણતરી થવાની હતી પણ કેન્દ્ર સરકારે કોરોના, લોકસભાની ચૂંટણી સહિતનાં કારણોને આગળ ધરીને ગણતરી ટાળ્યા કરી તેથી ૨૦૨૬ના ત્રણ મહિના પતી ગયા છતાં વસતી ગણતરી થઈ નથી. હવે વસતી ગણતરીનો પહેલો તબક્કો હાથ ધરાવાનો છે એ જોતાં ૨૦૨૭માં વસતી ગણતરી પૂરી થશે એવું લાગે છે. એ પછી નવું સીમાંકન એટલે કે લોકસભા તથા વિધાનસભાના મતવિસ્તારોની નવી સીમા નક્કી થશે. તમામ મતવિસ્તારોમાં લગભગ એકસરખા મતદારો હોય એ રીતે સીમાંકન કરાતું હોય છે. આ પ્રક્રિયામાં પણ લાંબો સમય જશે એ જોતાં ભવિષ્યની કઈ ચૂંટણીથી મહિલા અનામત લાગુ થશે એ સ્પષ્ટ નથી. અત્યારે જે સ્થિતી છે એ જોતાં ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં તો તેનો અમલ થવાની આશા નથી.
sanjogpurti@gmail.com