કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદી વિરુદ્ધ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપ એક્શનમાં છે. ભાજપે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે અને ખડગેના નિવેદન સામે ફરિયાદ નોંધાવી છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એકસ પર આ વિશે પોસ્ટ કરી. તેમણે કહ્યું, “અમે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સામે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને “આતંકવાદી” ગણાવવાના તેમના આઘાતજનક અને શરમજનક નિવેદન બદલ કડક ફરિયાદ નોંધાવી છે. આ માત્ર અપમાનજનક જ નથી પણ લોકશાહી સંસ્થાઓ પર ખતરનાક હુમલો પણ છે. તે આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે.”
ચેન્નાઈમાં, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આ લોકો મોદી સાથે કેવી રીતે જાડાઈ શકે છે? તેઓ આતંકવાદી છે. તેઓ સમાનતામાં માનતા નથી. તેમની પાર્ટી સમાનતા અને ન્યાયમાં માનતી નથી. અને આ લોકો તેમની સાથે જાડાઈ રહ્યા છે તેનો અર્થ એ છે કે તેઓ લોકશાહીને નબળી બનાવી રહ્યા છે.”
ભાજપે ખડગેના નિવેદન પર ભારે નારાજગી વ્યક્ત કરી. તમિલનાડુના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “મને શરમ આવે છે કે કોંગ્રેસ અને ડીએમકે ભારતના લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાનને આતંકવાદી કહીને અપમાનિત કરવા માટે એટલા નીચલા સ્તરે ઉતરી ગયા છે. રાહુલ ગાંધી અને એમકે સ્ટાલિનને વડા પ્રધાન અને તેમને સત્તા પર લાવનારા ભારતના લોકોનું આ ગંભીર અપમાન કરવા બદલ માફી માંગવી જાઈએ. આ નિવેદન સાથે, કોંગ્રેસ અને ડીએમકેએ આપણા ૮૦ મિલિયન તમિલ ભાઈઓ અને બહેનો સહિત ૧.૪ અબજ ભારતીયોનું અપમાન કર્યું છે.”
તેમના નિવેદનથી વિવાદ સર્જાયા પછી, ખડગેએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું, “કારણ કે ભાજપ સરકાર રાજકીય પક્ષો, ખાસ કરીને ઉમેદવારોને ડરાવી રહી છે. તેઓ સીબીઆઈ, ઇડી અને આવકવેરા વિભાગ જેવી સંસ્થાઓનો ઉપયોગ અને દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ લોકોમાં ડર પેદા કરી રહ્યા છે જેથી તેઓ માને કે સરકાર વિરોધી પક્ષોને પણ નિશાન બનાવવા માટે પૂરતી શક્તિશાળી છે. મેં આ નિવેદન આ સંદર્ભમાં આપ્યું હતું. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ (પીએમ મોદી) આતંકવાદી છે. મેં કહ્યું હતું કે તેઓ અને તેમની સરકાર આ સંસ્થાઓનો ઉપયોગ લોકોને ડરાવવા માટે કરી રહ્યા છે. મારો મતલબ એ જ હતો.”