અમરેલી જિલ્લામાં નશાબંધીના કાયદાના કડક અમલીકરણ માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા દરોડા દરમિયાન કેટલીક મહિલાઓ સહિત કુલ ૪૨ જેટલા લોકો પાસેથી પીવાનો દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, પોલીસ ટીમોએ અલગ-અલગ જગ્યાએ વોચ ગોઠવી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે રહેણાંક મકાનો અને જાહેર જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા લોકોમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ મહિલાઓ પોતાના ઘરે અથવા છૂપી રીતે દેશી દારૂનું વેચાણ કે હેરાફેરી કરતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત સાવરકુંડલા,કાપેલધાર પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂના પાંચ ચપટા સાથે એક યુવક ઝડપાયો હતો. જિલ્લામાંથી વગર પાસ પરમીટે કેફીપીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતાં ૧૯ ઈસમો ઝડપાયા હતા.