બગસરાના રહેવાસી દિનેશભાઇ હડિયલે બગસરા નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ, લોકાપર્ણ, ખાતમૂહર્તના નામે બોગસ બીલ, વાઉચર બનાવીને સરકારી તિજોરીને મોટા પ્રમાણમાં નુકસાન કરીને ભષ્ટાચાર આચરેલ હોવાની લેખિતમાં રજૂઆત પ્રાદેશિક કમિશનર-નગરપાલિકાઓ ભાવનગરને કરી હતી. આ રજૂઆતના પગલે પ્રાદેશિક કમિશનર કચેરી દ્વારા ઉપલબ્ધ રેકર્ડ પરથી ચકાસણી કરતાં નગરપાલિકા કક્ષાએ થયેલી વિવિધ પ્રકારની ક્ષતિઓ જણાઇ હતી. આ ક્ષતિઓ અંગેની જાણ કચેરી દ્વારા દિનેશભાઇને પત્ર દ્વારા કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા થયેલા કેટલાક ખર્ચમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની કલમ ૬૭(૧) તેમજ ૬૭(૨) ની જોગવાઈઓનું પાલન થયેલ જણાતું નથી, જે ક્ષતિ જણાય છે. આ માટે જેતે શાખાના જવાબદાર કર્મચારી, ચીફ ઓફિસર તેમજ ભાવ મંજુર કોઈ પદાધિકારીએ કરેલ હોય તે પદાધિકારી જવાબદાર જણાય છે. આ ક્ષતિઓ માટે જવાબદાર તત્કાલીન કર્મચારી, ચીફ ઓફિસર, પદાધિકારીઓની વિગતો મેળવી નોટીસ પાઠવી ખુલાસા મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.