એક મોટું ઘટાદાર આંબાનું ઝાડ હતું. ઉનાળાના દિવસો હતા. આખું ખેતર કેરીની મીઠ્ઠી સુગંધથી મહેકી રહ્યું હતું. આ આંબાવાડીમાં ચિંટુ નામનો એક તોફાની વાંદરો રહેતો હતો. ચિંટુને કેરીઓ ખૂબ ભાવે, પણ એને મહેનત કરવી જરાય ગમે નહીં!
એક દિવસ ચિંટુએ આંબાની ટોચે એક મોટી, પીળી પાકેલી કેરી જોઈ. કેરી જોઈને ચિંટુના મોઢામાં પાણી આવી ગયું. તેણે વિચાર્યું, “આહા! આજે તો આ પાકી મીઠ્ઠી કેરી ખાઈને જ જંપીશ.”
ચિંટુએ કેરીને પકડવા જોરથી કૂદકો માર્યો, પણ કેરી તો બહુ જ ઊંચી હતી. ચિંટુ નીચે પડ્‌યો – ધબ્બ! તેની પૂંછડી આંબાની ડાળીમાં ભરાઈ ગઈ. ચિંટુ ઊંધો લટકી ગયો! આ જોઈને બાજુમાં બેઠેલા પોપટલાલ ખડખડાટ હસવા લાગ્યા.
પોપટલાલ બોલ્યો, “ચિંટુભાઈ, આ કેરી તો નસીબવાળાને જ મળે, તમારા જેવા ઠેકડા મારનારાને નહીં હોં!”
ચિંટુને ગુસ્સો આવ્યો. તેણે પોતાના દોસ્ત ગજ્જુ હાથીને બોલાવ્યો. ચિંટુ કહે, “ગજ્જુભાઈ, જરા આ ઝાડને જોરથી હલાવો ને! મારે પેલ્લી મીઠ્ઠી મીઠ્ઠી કેરી ખાવી છે.”
ગજ્જુએ વિચાર્યું, “ચાલો, ચિંટુની મદદ કરું.” ગજ્જુએ તો આંબાના થડને પકડીને જોરથી હલાવ્યું – હચક-મચક, હચક-મચક! કેરી તો ન પડી, પણ ઝાડ પર ઊંઘતો ભોલું રીંછ નીચે પડ્‌યો! ભોલું સીધો ગજ્જુની પીઠ પર પડ્‌યો. ગજ્જુ ગભરાઈને ભાગ્યો અને ચિંટુ ઝાડ પરથી નીચે ગબડ્‌યો. આખું દ્રશ્ય જોઈને આખી આંબાવાડીનાં બધાં પક્ષીઓ હસવા લાગ્યાં.
પણ ચિંટુ હિંમત હાર્યો નહીં. એને તો મીઠ્ઠી મીઠ્ઠી કેરી ખાવી જ હતી! છેવટે, ચિંટુને એક યુક્તિ સૂઝી! તેણે જોરથી ચીસ પાડી, “ઓ બાપ રે! વાઘ આવ્યો, ભાગો!” બધાં પ્રાણીઓ આમ-તેમ ભાગવા લાગ્યાં. ઝાડ પર બેઠેલા વાંદરાઓ પણ ડરીને કૂદવા લાગ્યા. ઝાડ એટલું બધું હલ્યું કે પેલી મીઠ્ઠી મીઠ્ઠી કેરી ટપાક દઈને નીચે પડી!
પણ કેરી સીધી ચિંટુના હાથમાં પડવાને બદલે એક ખાડામાં જઈને પડી. ચિંટુ દોડીને કેરી લેવા ગયો, પણ ત્યાં તો પહેલાંથી જ એક નાનકડી ખિસકોલી બેઠી હતી. ખિસકોલી કહે, “ચિંટુભાઈ, આ કેરી તો મારા ઘરે મહેમાન આવ્યા છે એમના માટે છે! તમને નહિ મળે હોં!”
ચિંટુ મોઢું બગાડીને બેસી ગયો. તેને લાગ્યું કે આજે કેરી નહીં મળે. પણ નાનકડી ખિસકોલી દયાળુ હતી. તેણે કેરીના કટકા કર્યા અને ચિંટુ, ગજ્જુ અને પોપટલાલ – બધાને વહેંચી આપી.
ચિંટુએ કેરીનું પહેલું બટકું ભર્યું અને બોલ્યો, “વાહ! કેરી તો ખાટી હોય કે મીઠી, પણ સાથે મળીને ખાવામાં જ મજા છે!” ચિંટુના આખા મોઢા પર કેરીનો રસ ચોંટી ગયો હતો. તે જોઈને ફરી બધાં હસી પડ્‌યાં.
mo. ૯૦૯૯૧૭૨૧૭૭