ઘરમાં લગ્ન આવે એટલે ઘણું બધું કામ રહે જ. યુવક-યુવતીના મા-બાપ હંમેશા એ વિચારીને ચિંતિત રહે જ કે લગ્નની તૈયારીમાં ક્યાંય કોઈ કમી ન રહી જાય. આવી બધી પરેશાનીઓથી બચવા માટે એ ખૂબ જરૂરી છે કે લગ્નની તમામ તૈયારી એક યોજનાબધ્ધ રીતે જ કરાય. આપના આ કાર્યને થોડું સરળ બનાવવાના ભાગરૂપે ‘ગુજરાત ગાર્ડિયન’ આપી રહ્યું છે… કેટલીક ઉપયોગી સૂચનાઓ…!
કોઈપણ પરિવારમાં દીકરી કે દીકરાના લગ્નનું આયોજન સૌથી યાદગાર અને ખુશીનો અવસર બની જાય છે. કેટલીકવાર ખૂબ જ ખર્ચ કરીને અને લગ્નમાં કેટલાય લોકોની મદદ લેવા છતાંય લગ્નમાં કંઈકને કંઈક ઉણપ કે પરેશાની આવે જ છે. આ બધી પરેશાનીઓથી બચવા માટે આપ ૬ મહિના પૂર્વે થી જ તેની તૈયારીઓ શરૂ કરી દો, જેથી આપનો આખો પરિવાર તણાવમુક્ત થઈને લગ્નની ખુશીઓનો આનંદ માણી શકે.
૬ માસ પૂર્વેઃ
સૌથી પહેલાં પરિવારના સભ્યો સાથે શાંતિથી બેસીને લગ્ન સહિત તેના પૂર્વે થનારા પ્રસંગો, રિવાજો… સાલ્લા, પીઠી, મહેંદી, ગીત-સંગીત, ગરબા વગેરેની તારીખ અને આયોજન નક્કી કરી લો.
આપના સગા-સંબંધીઓની યાદી બનાવો. જેમાં આપના સગા-સંબંધીઓ, આડોશી-પાડોશીઓ, પિતા-માતા પક્ષના સગા, સંતાનો અને ભાઈ-બહેનના ફ્રેન્ડસર્કલ, જોબ-શાળા-કોલેજના ફ્રેન્ડ સર્કલ્સ અને અન્ય તમામને લિસ્ટમાં આવરી લો. દરેકને નિમંત્રણ આપતા પૂર્વે લગ્ન અંગેની જાણ કરો.
બજેટ તૈયાર કરો. શક્ય હોય તો તેની એક અલગ જ ફાઈલ બનાવી લો અને ખર્ચની બધી જ વિગતો બનાવી લો. ખર્ચની બધી જ  વિગતો એક ડાયરીમાં લખવાનું રાખો. જેથી આપને હિસાબ-કિતાબનો બધો જ ખ્યાલ રહે. તમે મોબાઈલમાં પણ આ ડેટા રાખી શકો.
લગ્ન સમારંભ માટે વેન્યુ (હોલ કે પાર્ટી પ્લોટ) ની તપાસ કરી પ્રથમથી જ બુક કરી દો.
જો આપની સોસાયટી, ફ્‌લેટ કે મહોલ્લામાં કોમન પ્લોટ કે મોટી લોન હોય તો લગ્ન અગાઉ કાર્યક્રમ ત્યાં જ કરી શકાય છે અને એ તમામ વિધિ ત્યાં જ કરી શકાય છે. જેથી લોન ભાડાના મોટા ખર્ચથી બચી શકાય અને બચત કરી શકાય. જોકે, આ માટે ડેકોરેશનવાળા સાથે પ્રથમથી જ આયોજન કરી લેવું.
લગ્નની વિધિ-વિધાન માટે તમારા જાણીતા ગોર-મહારાજને પણ નક્કી કરી લો.
૫ માસ પૂર્વેઃ
ડેકોરેટરને મળીને એ સુનિશ્ચિત કરી લો કે લગ્ન સ્થળની સજાવટ કેવી કરવાની છે, બજેટ પણ જાણી લો.
લગ્નના બે કે ત્રણ દિવસ પૂર્વે આવનારા આપના ઘરના મહેમાનોના આવાસ-નિવાસ-ભોજનની વ્યવસ્થા કરી રાખો.
મહેંદી, પીઠી, ગીત-સંગીત, ગરબા વગેરે પ્રોગ્રામ દરમિયાન રાખવામાં આવતા ચા-પાણી-કોલ્ડ્‌ડ્રિંક્સ-આઈસ્ક્રીમ-નાસ્તાનું મેનૂ પ્રથમથી જ નક્કી કરી લો.
ફ્‌લોરિસ્ટ સાથે વાત કરીને તેમને લગ્ન સ્થળ અને ઘર બતાવવાનું ફૂલ સજાવટનું પ્લાનિંગ કરી દો.
ફોટોગ્રાફર, વિડિયોગ્રાફર, બેન્ડ વાજા કે ડીજેના બુકિંગ પણ કરી લો. પણ એ પૂર્વે દરેકને મળીને ખર્ચ અંગે ચર્ચા કરી ફાઇનલ કરી લો.
યુવક કે યુવતીના આઉટફિટ્‌સની યાદી બનાવી અને તૈયારીઓ શરૂ કરી દો.
લગ્નને લગતી તમામ ખરીદીની ચીજ-વસ્તુઓનું લિસ્ટ બનાવીને તેની ખરીદી પણ શરૂ કરી દો.