ગુજરાતમાં હાલ ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો પ્રકોપ જાવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાકે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે. માર્ચ મહિનામાં જ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે, જેના કારણે ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે તબક્કાવાર રીતે મુજબ આગાહી કરી છેઃ૧૮ માર્ચઃ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના છે. ૧૯ માર્ચઃ વરસાદનો વ્યાપ વધશે. રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ગીરસોમનાથ, દીવ, વડોદરા, સુરત, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું થવાની શક્યતા છે. ૨૦ માર્ચઃ અરવલ્લી, દાહોદ, મહીસાગર, ગીરસોમનાથ અને દીવમાં વરસાદી માહોલ રહેશે.
એક તરફ ગરમીથી રાહત મળવાની આશા છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તીવ્ર તાપમાનના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જાવા મળે છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાતા ગરમીના પ્રકોપથી મોટી રાહત મળશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ૪૮ કલાક બાદ ગરમીમાંથી રાહત મળશે, પરંતુ ૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરા સાથે ભારે વરસાદ અને ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહીને પગલે ખેતીના પાક અને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઉનાળાની વાત કરીએ તો, ૨૬ એપ્રિલ સુધીમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી શકે છે, જ્યારે સમુદ્રી ગતિવિધિઓને જાતા ૧૭ મેના રોજ બંગાળના ઉપસાગરમાં અને ૨૦ જૂને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. જાકે, હોળીના પવનના વરતારા મુજબ આગામી ચોમાસું સારું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.