અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના લુણીધાર ગામે સામાન્ય અકસ્માત જેવી બાબતમાં મામલો બિચક્યો હતો. સ્કૂલેથી પરત ફરી રહેલા વિદ્યાર્થી સાથે બાઇક અથડાવા બાબતે થયેલી બોલાચાલી બાદ, આરોપીઓએ ઘરે આવી હુમલો કરતા એક યુવકને માથામાં પાંચ ટાંકા આવ્યા હતા અને મહિલાને પણ ઇજા પહોંચી હતી. બનાવ અંગે લુણીધાર ગામે રહેતા અશોકભાઇ ધનજીભાઇ સોલંકી (ઉ.વ.૩૭) એ તેમના જ ગામના નિખીલભાઇ અનીલભાઇ દામોદરા, નયનભાઇ અનીલભાઇ દામોદરા તથા અનીલભાઇ આંબાભાઇ દામોદરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમનો ભત્રીજો કૌશિક જ્યારે સ્કૂલેથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે આરોપી નિખીલભાઈ દામોદરાએ પોતાનું મોટરસાઇકલ કૌશિક સાથે ભટકાવ્યું હતું. આ સમયે આરોપી ગાળો આપી ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, આટલેથી વાત પૂરી થઈ ન હતી. થોડા સમય બાદ તમામ આરોપીઓ ઉશ્કેરાઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને ‘કૌશિક ક્યાં છે?’ તેમ કહી હોબાળો મચાવ્યો હતો. તેમના ભાભી વચ્ચે પડીને આરોપીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીએ હાથમાં રહેલા લોખંડના પાઇપ વડે તેમને ડાબા પગના ઘૂંટણ પર ફટકો મારી મૂઢ ઇજા પહોંચાડી હતી. આ ઝઘડામાં જ્યારે તેઓ વચ્ચે પડ્યા ત્યારે આરોપીએ લોખંડનો પાઇપ તેમના માથામાં ઝીંકી દીધો હતો. હુમલો એટલો ગંભીર હતો કે તેમના માથાના ભાગે લોહી નીકળવા માંડ્યું હતું અને સારવાર દરમિયાન પાંચ ટાંકા લેવા પડ્યા હતા. હુમલો કર્યા બાદ જતી વખતે આરોપીએ તેમના ભત્રીજા કૌશિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.









































