સુત્રાપાડાના વતની અને હોમગાર્ડઝ દળમાં છેલ્લા ૨૫ વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપતા જવાન સ્વ. લખમણભાઈ નારણભાઈ વાજાનું લાંબી બીમારીના કારણે ગત તા. ૧૪-૩-૨૫ના રોજ અવસાન થયું હતું. ફરજ દરમિયાન અવસાન પામેલા આ જવાનના પરિવારને આર્થિક ટેકો મળી રહે તે માટે ગુજરાત સરકારના હોમગાર્ડઝ વિભાગ દ્વારા મંજૂર કરાયેલી સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય દ્વારા ‘કલ્યાણ નિધિ ફંડ’માંથી અવસાન સહાય તેમજ મરણોત્તર સહાય પેટે મંજૂર થયેલ રૂ. ૧,૫૫,૦૦૦ (એક લાખ પંચાવન હજાર)નો ચેક સુત્રાપાડા સ્થિત ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સોંપવામાં આવ્યો હતો. આ સહાયની દરખાસ્ત ગીર સોમનાથ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે સ્વ. લખમણભાઈના પત્ની ગં.સ્વ. કમલાબેન વાજાને આ ચેક સુપરત કરવામાં આવ્યો હતો. સહાય મળતા જવાનના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.










































