આજના ડિજિટલ યુગમાં વધતા જતા સાયબર ગુનાઓને રોકવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી અમરેલી જિલ્લા પોલીસ અને ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલામાં ‘સાયબર અવેરનેસ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાર્થના હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળા દ્વારા ડી.વાય.એસ.પી. ગોરડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા ટાઉન પી.આઈ. કુંગાસીયા અને રૂરલ પીઆઈ ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સેમિનારના મુખ્ય વક્તા તરીકે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. જે. એમ. કડછા અને ડી.વાય.એસ.પી. ગોરડિયાએ વેપારીઓને ઓનલાઈન છેતરપિંડી વિશે માહિતી આપી હતી.










































