૧ ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટ પછી ઘણાંએ આ સૂર કાઢ્યો છે કેમ કે બે મોટી અપેક્ષા ફળી નથી. એક અપેક્ષા ઈન્કમટેક્સમાં સ્ટાન્ડર્ડ ડીડક્શન વધારવાની હતી જ્યારે બીજી અપેક્ષા ખેડૂત સન્માન નિધી હેઠળ દર ચાર મહિને મળતી ૨૦૦૦ રૂપિયાની રકમ ૩૦૦૦ થઈ જાય એવી હતી. નિર્મલાએ આ બંને મુદ્દે કોઈ નિર્ણય ના લીધો તેથી થોડોક નિરાશાનો સૂર છે પણ વાસ્તવમાં ગયા વરસે નિર્મલા મધ્યમ વર્ગ અને નોકરીયાતો પર ધૂમ વરસ્યાં એ જોતાં કમ કે કમ પાચંં વર્ષ સુધી તો કોઈ મોટી રાહતની અપેક્ષા રાખી શકે તેમ નથી.
નિર્મલા સીતારામને ત્રણ વર્ષ પહેલાં જાહેર કરેલા આવકવેરાના ન્યુ રીજિમમાં ૭.૨૦ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહોતો લાગતો. ગયા વરસે એ મર્યાદા વધારીને સીધી ૧૨ લાખ રૂપિયા કરી દેવાઈ અને સ્ટાન્ડર્ડ ડીડક્શનની છૂટ પણ ચાલુ રખાઈ. સ્ટાન્ડર્ડ ડીડક્શનના ૭૫ હજાર રૂપિયા ઉમેરો તો હવે ૧૨.૭૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશો નથી. મતલબ કે, મહિનાની એક લાખ છ હજાર રૂપિયા સુધીની આવક હોય તો એક પૈસો પણ ઈન્કમટેક્સ પેટે નહીં ચૂકવવો પડતો નથી.
ભારતમાં મોટા ભાગનો મધ્યમ વર્ગ ૧ લાખથી ઓછો પગાર મેળવે છે તેથી એક રીતે નોકરીયાત મધ્યમ વર્ગ પરનો ઈન્કમટેક્સ મોદી સરકારે નાબૂદ જ કરી દીધો છે એમ કહી શકાય. આટલી મોટિ જાહેરાત પછી વધારે કેટલી અપેક્ષા રાખી શકો ?
મધ્યમ વર્ગમે રાહત ના મળી તેનું એક કારણ એ પણ છે કે નજીકમાં ચૂંટણી નથી. હવે પછી લોકસભાની ચૂંટણી ૨૦૨૯માં યોજાશે તેથી મધ્યમ વર્ગ જે થોડીઘણી રાહતની આશા રાખી શકે એ ૨૦૨૮ના બજેટમાં રાખી શકે. ગયા વરસે મળેલી રાહત પણ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સળંગ ત્રીજી વાર ભાજપને સ્પષ્ટ બહુમતી ના અપાવી શક્યા તેના કારણે મળેલી. લોકોને રીઝવવા મોદી સરકારે સૌથી પહેલાં આયુષ્માન યોજનાનો લાભ ૭૦ વર્ષથી વધારે ઉમંરનાં લોકોને આપવાનો નિર્ણય લીધો ને પછી સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના જાહેર કરાઈ હતી. એ પછી સરકારી કર્મચારીઓ માટે મોદી સરકારે આઠમું પગાર પંચ પણ જાહેર કરવું પડ્યું હતું,
નિર્મલાના બજેટમાં બીજું કંઈ ચર્ચાને લાયક નથી તેથી ભારતમાં બજેટ વિશેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ.
ભારતમાં પહેલાં સાંજે ૫ વાગ્યે બજેટ રજૂ થતું. આ વાત સાંભળીને આશ્ચર્ય થશે પણ આ વાત સાવ સાચી છે. ભારત અંગ્રેજોનું ગુલામ હતું ત્યારે ભારતનું બજેટ બ્રિટનની સંસદમાં રજૂ થતું ને મંજૂર કરાતું. એ વખતે બ્રિટનમાં સવારના ૧૧ વાગ્યે ત્યારે સંસદની બેઠક શરૂ થઈ હોય પણ આપણે ત્યાં સાડા પાંચ વાગી ગયા હોય. અંગ્રેજોને તો ભારતની કોઈ કિમત હતી નહીં ને બજેટ એક ઔપચારિકતા હતી તેથી બ્રિટનની સંસદમાં નિરાંતે સવારે અગિયાર વાગે રજૂ થતું ને મિનિટોમાં તો બજેટ મંજૂર કરવાનું નાટક પતાવી દેવાતું.
અંગ્રેજો ગયા પછી આ પ્રથા બંધ કરવાની જરૂર હતી પણ આપણા અક્કલના મઠ્ઠા શાસકોએ આ બકવાસ પ્રથા ચાલુ રાખી તેથી આઝાદીનાં ૫૨ વર્ષ સુધી ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે જ સાંજે સાડા પાંચ વાગ્યે બજેટ લોકસભામાં રજૂ થતું. કોઈ સરકારને એવો વિચાર ના આવ્યો કે, હવે આપણે આઝાદ છીએ ત્યારે અંગ્રેજોની ગુલામી છોડીને આપણાં લોકોને માફક આવે એવા સમયે બજેટ રજૂ કરવું જોઈએ.
વાજપેયી સરકારે આ ગુલામીની માનસિકતા ત્યજીને ૧૯૯૯થી સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરવાનું શરૂ કરીને નવો ચિલો ચાતર્યો. બજેટને ભારતીયોને માફક આવે એ ,સમયે રજૂ કરવાની સારી પરંપરા સ્થાપીને વાજપેયી સરકારે સામાન્ય લોકોની સાથે સાથે મીડિયાને પણ રાહત કરી આપી. મીડિયા પાસે અને ખાસ તો અખબારો પાસે બજેટનો અભ્યાસ કરીને રીર્પોટિંગ કરવા માટે પૂરતો સમય રહેતો તેથી લોકોને સારું એનાલિસિસ મળતું થયું. .
મોદી સરકારે નવા ચિલો ચાતરવાની પરંપરા જાળવી છે.
મોદી સરકારે બજેટની તારીખ અને બે બજેટ ભેગાં કરવાનું મહત્વનું કામ કર્યું છે. ભારતમાં પહેલાં રેલ્વે બજેટ અલગથી રજૂ થતું. મોદી સરકારે એક દાયકા પહેલાં એટલસે કે ૨૦૧૭માં રેલ્વે બજેટ રજૂ કરવાનું બંધ કરીને રેલ્વે અને સામાન્ય બજેટને એક કરી દીધેલાં. આપણી માનસિકતામાં અંગ્રેજોની ગુલામી એ હદે ઘર કરી ગયેલી કે અંગ્રેજો જતા રહ્યા પછી પણ તેમની ઘણી પરંપરાઓ સમજ્યા વિના ચાલુ રખાયેલી. સાપ ગયા પણ લિસોટા રહી ગયા એમ રેલ્વે બજેટ અંગ્રેજોના ગયા પછી પણ ચાલુ રહ્યું.
મોદી સરકારે સામાન્ય બજેટ અને રેલ્વે બજેટને એક કરીને રેલ્વેને લગતી જોગવાઈઓને પણ સામાન્ય બજેટમાં જ સમાવી લેવાનો મોટો નિર્ણય પણ લીધો હતો. મોદી સરકારે બીજો સારો નિર્ણય બજેટની તારીખ બદલવાનો કર્યો. અંગ્રેજોના વખતથી બજેટ ૨૮ ફેબ્રુઆરીએ રજૂ થતું પણ મોદી સરકારે બજેટની તારીખ એક મહિનો આગળ લાવીને ૧ ફેબ્રુઆરી કરી નાંખી હતી. એ જ રીતે પહેલાં બજેટમાં યોજનાકીય ખર્ચ ને
આભાર – નિહારીકા રવિયા બિન-યોજનાકીય ખર્ચ અલગ અલગ બતાવાતો હતો. મોદી સરકારે એ બંધ કરીને ક્યા કામ પાછળ કેટલો ખર્ચ થાય છે તે જ દર્શાવવાનું ચાલુ કર્યું. તેના કારણે બજેટ રજૂ કરવાની ને મંજૂર કરાવવાની પ્રક્રિયામાં થતો સમયનો બેફામ બગાડ બંધ થઈ ગયો.
પહેલાં ફેબ્રુઆરીના અંતમાં બજેટ રજૂ થાય પછી તેને મંજૂર થતાં થતાં જૂન આવી જતો. સંસદની મંજૂરી ના મળી હોય ત્યાં લગી બજેટની યોજનાઓનો અમલ શરૂ ના કરી શકાય તેના બદલે ૧ ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થઈ જાય ને ફેબ્રુઆરીમાં પાસ થઈ જાય પછી સરકારી તંત્રે આખો માર્ચ મહિનો તૈયારી કરીને ૧ એપ્રિલથી વાજતેગાજતે બજેટનો અમલ શરૂ કરી શકે છે.
ભારતમાં બજેટની શરૂઆત કોણે કરી ?
ભારતમાં પહેલું બજેટ ૧૮૬૦માં રજૂ થયું હતું અને આ બજેટ બ્રિટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. વિલ્સને બ્રિટિશ મોડેલ પર રચાયેલું બ્રિટિશ ઈન્ડિયાનું સૌપ્રથમ બજેટ રજૂ કર્યું ને ભારત આઝાદ થઈ ગયો એ પછી પણ આ પરંપરા ચલુ રહી છે. ભારત પર પહેલાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું રાજ હતું. ૧૮૫૭માં વિપ્લવ થયો ને આપણા સૈનિકોએ બાંયો ચડાવી પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી બ્રિટનની સરકારે કારભાર લઈ લીધેલો. હસ્તાંતરણની આ પ્રક્રિયા ૧૯૬૩ સુધી ચાલી હતી.
આ પ્રક્રિયા દરમિયાન ૧૮૫૭ના બળવાને કારણે ભારતમાં સર્જાયેલી નાણાકીય કટોકટીનો ઉકેલ શોધવા માટે જેમ્સ વિલ્સનની નિમણૂક કરવામાં આવી હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના શાસન દરમિયાન અધિકારીઓએ બેફામ નાણાંકીય ગેરરીતીઓ કરી હતી કેમ કે કોઈનો અંકુશ નહોતો. તેના પર નિયંત્રણ માટે વિલ્સને બ્રિટનની જેમ જ બજેટ બનાવવાનું સૂચન કર્યું ને બ્રિટનની સરકારે તેને જ આ કામ સોંપી દીધું હતું, વિલ્સને ૧૮૬૦માં ભારતનું પહેલું બજેટ બનાવીને બ્રિટનના મહારાણીને સોંપેલું. તેને માન્ય રખાયું ને ૭ એપ્રિલ ૧૮૬૦ના દિવસે જેમ્સ વિલસને બ્રિટનની સંસદમાં આ બજેટ રજૂ કર્યું ત્યારથી બજેટની પરંપરા શરૂ થઈ પણ એ વખતે રેલ્વે બજેટ અલગ નહોતું.
રેલ્વે બજેટનું શ્રેય વાઈસરોય રફસ આઈઝેક્સને જાય છે.
અંગ્રેજો ભારતમાં રેલ્વે લાવ્યા ને ૧૮૫૭ના વિપ્લવ પહેલાં ૧૮૫૩માં ભારતમાં ટ્રેન દોડતી થઈ ગયેલી. ધીરે ધીરે રેલ્વે નેટવર્ક વિકસ્યું ને માલની હેરફેર સહિતની આર્થિક પ્રવૃત્તિઓ તથા સૈનિકોની અવરજવર સહિતની વહીવટી પ્રવૃત્તિઓમાં રેલ્વેની ઉપયોગિતા વધી એટલે ૧૯૨૦માં અંગ્રેજ સરકારે ભારતમાં રેલ્વે તંત્રને વધારે અસરકારકર બનાવવા શું કરવું તેની ભલામણો કરવા રેલ્વે ઈકોનોમિસ્ટ વિલિયમ એકવર્થના અધ્યક્ષસ્થાને ૧૦ સભ્યોની સમિતી બનાવેલી.
આ સમિતીએ એવી ભલામણ કરેલી કે ભારતમાં રેલ્વેને સધ્ધર કરવી હોય તો તેને માટે વધારે રકમ ફાળવો ને વધારે રકમ આપો. બ્રિટનની સરકારે ત્રણ વર્ષ સુધી આ સહાય આપીને રેલ્વેનો વિકાસ કરાવ્યો. ૧૯૨૪માં આઈઝેક્સને તુક્કો સૂઝ્યો તેથી તેમણે રેલ્વે માટે અલગ બજેટની જાહેરાત કરી દીધી. વાઈસરોય એ વખતે સર્વેસર્વા હતા તેથી તેનો અમલ શરૂ થયો ને એ રીતે આપણે ત્યાં એક સામાન્ય અને એક રેલ્વે એમ બે બજેટ શરૂ થયાં.
પહેલાં બજેટનો જોરદાર ચાર્મ રહેતો. બજેટ વરસની સૌથી મોટી ઘટના ગણાતી તેથી મીડિયા તો સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરતું જ પણ સામાન્ય લોકો માટે થતી જાહેરાતો પણ બજેટમાં જ થતી તેથી લોકોને પણ તેમાં રસ પડતો. દિવસો લગી બજેટનું એનાલિસિસ થતું અને નાની પાલખીવાલા સહિતના નિષ્ણાતો અઠવાડિયા પછી બજેટ પર પ્રવચન આપે તો પણ સાંભળવા લોકોની ભીડ જામતી.
હવે એક જ બજેટ રજૂ થાય છે પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) તથા ચૂંટણીઓેને ધ્યાનમાં રાખીને વચ્ચે વચ્ચે કરાતી જાહેરાતોના કારણે તેનો ચાર્મ રહ્યો નથી. sanjogpurti@gmail.com









































