સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. પિતાએ કામકાજ બાબતે ઠપકો આપતા મનમાં ઓછું લાવીને એક યુવતીએ અનાજમાં નાખવાની ઝેરી દવા (ટીકડા) ગળી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે મહંમદભાઇ હુસેનભાઇ સવટ (ઉ.વ.૪૫) એ જાહેર કર્યા મુજબ, તેમણે તેની પુત્રી સુમનબેન મહંમદભાઇ સવટ (ઉ.વ.૨૦)ને કામ કરવા બાબતે શિખામણ અથવા ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો મનમાં લાગી આવતા તેણે ઘરમાં રહેલી અનાજમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. યુવતીની તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મીતીયાળા ગામ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એસ. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.








































