કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે હવે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા છે. ન્યૂસમે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર બીજા વિશ્વયુદ્ધના અંતમાં બનેલા જોડાણોનો નાશ કરવાનો આરોપ લગાવ્યો છે. ગવર્નરે કહ્યું કે અમેરિકા “માત્ર થોડા મહિનામાં જ ઓળખી ન શકાય તેવું બની ગયું.” ન્યૂસમે અનેક પ્રસંગોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા કરી છે.

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમ યુએસમાં એક અગ્રણી વિપક્ષી નેતા છે અને ૨૦૨૮ માં તેમને સંભવિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માનવામાં આવે છે. તેમણે યુરોપિયન નેતાઓને હિંમત બતાવવા અને ગ્રીનલેન્ડને જોડવાના ટ્રમ્પના પ્રયાસનો સખત વિરોધ કરવા વિનંતી કરી.

ગેવિન ન્યૂસમએ સ્વીટ્‌ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપ્યું. તેમના ભાષણમાં, તેમણે કહ્યું, “૮૦ વર્ષથી વધુ જૂના જાડાણોને તોડવું એક વિચિત્ર બાબત છે.” તેમણે કહ્યું, “વિશ્વાસ અને સંગઠન બનાવવામાં દાયકાઓ લાગે છે. તેમને નષ્ટ કરવામાં અઠવાડિયા, ટ્‌વીટ, કલાકો, મિનિટ લાગે છે.” ન્યૂસમએ કહ્યું, “વિનાશ એ તાકાત નથી. ટ્રમ્પ વહીવટ એ તાકાતના વેશમાં રહેલી નબળાઈ છે.”

ન્યૂસમએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર અમેરિકામાં લોકોની સ્વતંત્રતા છીનવી લેવાનો આરોપ મૂક્યો. તેમણે મોટા પાયે લોકોને દેશનિકાલ કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને સરમુખત્યારશાહી વલણ ધરાવતું ગણાવ્યું, કહ્યું, “અહીં કાયદાનું શાસન નથી. તે ડોનનું શાસન છે.” ન્યુસોમે કહ્યું, “આપણે જાણીએ છીએ તેમ આપણું પ્રજાસત્તાક ગુમાવી શકીએ છીએ. આપણો દેશ થોડા મહિનામાં ઓળખી ન શકાય તેવો બની જશે.”

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમ પણ આશાવાદી લાગતા હતા. ન્યુસોમે કહ્યું કે ભવિષ્યમાં યુએસ વહીવટ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધારો કરી શકે છે. તેમણે કહ્યું, “હંમેશા પાછા ફરવાનો રસ્તો હોય છે. મને લાગે છે કે આ સંબંધો સુષુપ્ત છે. તેઓ મૃત નથી.”

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને જોડવાના પ્રયાસથી ટ્રાન્સએટલાન્ટીક નાટો જોડાણને હચમચાવી નાખ્યું છે. ટ્રમ્પે પ્રતિકાર કરનારા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી. જો કે, ટ્રમ્પ હવે આર્કટિક ટાપુને બળજબરીથી જોડવાની તેમની ધમકીથી પાછળ હટી ગયા છે અને હવે કહ્યું છે કે તેઓ પ્રતિકાર કરનારા યુરોપિયન દેશો પર પ્રતિબંધો લાદશે નહીં.