સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામે ઘરકામ જેવી નજીવી બાબતે પરિણીતાને મેણાટોણા મારી, શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પતિ, સાસુ અને સસરાએ મળીને પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હાલ મોટા આંકડીયા ગામે રહેતા સ્નેહાબેન હિંમતભાઇ ચૌહાણ (ઉ.વ.૨૬)એ સીમરણ ગામે રહેતા પતિ કાર્તિકભાઇ દેવજીભાઇ દાફડા, સાસુ મંજુબેન દેવજીભાઇ દાફડા તથા સસરા દેવજીભાઇ મંગળાભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, તેમના લગ્ન તારીખ ૧૯/૦૬/૨૦૧૫ના રોજ સીમરણ ગામના કાર્તિકભાઈ દેવજીભાઈ દાફડા સાથે થયા હતા. લગ્નજીવનના શરૂઆતના સમયથી જ ગત તારીખ ૧૭/૦૭/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન સાસરી પક્ષ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો. સાસુ મંજુબેન અને સસરા દેવજીભાઈ દ્વારા ઘરકામ બાબતે તેમજ કોઈ પણ વાંક વગર અવાર-નવાર મેણાટોણા મારી માનસિક દુઃખ આપવામાં આવતું હતું. સાસુ દ્વારા પરિણીતાને ગાળો પણ આપવામાં આવતી હતી. પતિ કાર્તિકભાઈએ નજીવી બાબતોમાં ઉશ્કેરાઈને ઢીકાપાટુનો મૂઢમાર મારી શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. સાસરિયાઓએ એકબીજાની મદદગારી કરી પરિણીતાને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.






































