રાજ્યના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના ચિત્તલ મુકામે કુલ ૦૨ પેટા આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચિત્તલ સ્થિત ખોડિયાર નગર અને જિન પ્લોટ ખાતે અંદાજિત કુલ રૂ. ૬૫ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રો આકાર પામશે. ચિત્તલ ઉપરાંત આસપાસના ગામડાઓને ઘરઆંગણે અને નજીકમાં જ સરળતાથી આરોગ્ય સુવિધાઓ મળતી થશે. આ તકે કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે નાગરિકો માટે આરોગ્ય સુવિધાઓ અને સવલતો સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે સતત સક્રિયતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ચિત્તલ મુકામે પેટા આરોગ્ય કેન્દ્રોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.