ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં (MSP) મોટો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયાએ આવકારીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતૃત્વનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે ડબલ એન્જિન સરકાર હંમેશા ખેડૂતોની આવક બમણી કરવા અને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે કટિબધ્ધ રહી છે. આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજ પર સીધો આર્થિક લાભ મળશે. કપાસમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫૫૭ અને મગફળીમાં રૂ. ૨૫૪ નો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, મગ અને તુવેર જેવા વિવિધ પાકોના ભાવમાં પણ નોંધપાત્ર વૃધ્ધિ કરાઈ છે, જે ખેડૂતોના કલ્યાણ માટે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.