ધારી તાલુકાનાં ગોપાલગ્રામ ખાતે ઐતિહાસિક દરબાર ગઢમાં ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રજાવત્સલ ત્યાગી રાજવી, સત્યાગ્રહી સ્વાતંત્ર્યસેનાની દરબાર ગોપાળદાસ દેસાઈની ૧૩૮મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામનાં વરિષ્ઠ આગેવાન અને ટ્રસ્ટનાં પૂર્વ પ્રમુખ શંભુભાઈ ખીમાભાઈ વાડદોરિયાના હસ્તે ભક્તિબા કન્યા શાળામાં દરબાર સાહેબનાં રજવાડી તૈલચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડૂત અગ્રણી ચુનીભાઈ ગજેરા, દેવરાજભાઈ વાઘેલાએ દરબાર સાહેબની તસવીરને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પી હતી. કન્યા શાળાનાં આચાર્ય-શિક્ષકો પંડ્યા મેધાબેન, ડોબરિયા મોનિકકુમાર, ભટ્ટ દેવેનકુમાર, પઢીયાર રોજીનાબેન, ગોપાલગ્રામ કુમાર શાળાનાં દાફડા રજનીકાંતભાઈ, ત્રિવેદી ચિરંજયભાઈ, માધડ શ્રદ્ધાબેન, અજાણી દિવ્યાબેન ઉપસ્થિત રહ્યા હતા. વડીલ શંભુબાપાએ પૂ. દરબાર ગોપાળદાસ દેસાઈ, સેવામૂર્તિ પૂ. ભક્તિબા તેમજ ગામનાં ગૌરવપૂર્ણ ઈતિહાસની વાતો કરી સાથે તેમનાં રાજ વહીવટ, પ્રજા કલ્યાણ તેમજ સ્વતંત્રતા ચળવળમાં દરબાર સાહેબનાં અમૂલ્ય યોગદાનને યાદ કરી ભાવપૂર્ણ શબ્દાંજલિ અર્પણ કરી હતી. ટ્રસ્ટ દ્વારા બાળકોને ફળનું વિતરણ કરાયું હતું, તેમ મેનેજિંગ ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.








































