જ્યારે આપણે મિત્રતાની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે સાથે બેસવા, વાતો કરવા કે આનંદ માણવા કે સંકટના સમયમાં સાથે ઊભા રહેવા જેવી અનેક બાબતો જીવનમાં આવે છે. પરંતુ મિત્રતાનું સાચું મૂલ્યાંકન ત્યારે થાય છે જ્યારે તમે હાજર ના હોવ છતાં કોઈ તમારી ઈજ્જત, આબરૂ અને તમારી સત્યતા અને સ્વભાવનો પક્ષ લે છે. દુનિયાની સૌથી નાજુક, નર્મ અને સૌથી મજબૂત લાગણી જો કોઈ હોય તો એ ‘મિત્રતા’ છે પરંતુ મિત્રતાનો સાચો ભાવ ત્યારે જ સમજાય છે, જ્યારે જીવન તમને એક એવી પરિસ્થિતિ સામે લાવે છે જ્યાં તમે હાજર ન હો, પરંતુ તમારા વિશે વાતો ચાલતી હોય. આવી ઘડીમાં કોણ તમારા માટે ઊભું રહે છે, કોણ તમારી પ્રતિષ્ઠાનું રક્ષણ કરે છે, કોણ તમારો પક્ષ લે છે, એ જ તમારા જીવનનો સાચો મિત્ર ગણાય છે. આજના ઝડપી સમયમાં ‘સાથે દેખાવું’ સહેલું છે, પરંતુ ‘પાછળથી કોઈનો પક્ષ લેવો’ એટલે બીજા અનેક સામે અણગમો વહોરવાનો અને ક્યારેક ખુદનો સંબંધ દાવ પર લગાવવો પડે છે. કારણ કે સામે-સામે હોય ત્યારે તો દરેક વ્યક્તિ મીઠો બની રહે છે, પરંતુ પાછળથી તમારી વાણી, તમારો સ્વભાવ, તમારો ઇરાદો આ બધાનો પક્ષ રાખે, તો સમજી લો કે એ વ્યક્તિ માત્ર મિત્ર નથી, પરંતુ તમારા જીવનનો સૌથી વિશ્વાસપાત્ર માણસ છે. કારણ કે કોઈની હાજરીમાં તેની તરફેણ કરવી સહેલી છે પણ ગેરહાજરીમાં એની તરફેણ કરવી ખૂબ અઘરું કામ છે. તમારી સામે કોઈ તમારા વખાણ કરે કે તમારી તરફેણ કરે એ સહેલું છે, કારણ કે લોકો તમને દેખાડવા માટે પણ એવું કરી શકે. પરંતુ જયારે તમે ત્યાં ન હો, ત્યારે પણ કોઈ તમારી પ્રતિષ્ઠાની રક્ષા કરે તો એ મિત્રતા નિષ્ઠા અને સચ્ચાઈની ઊંચી કસોટી બની જાય છે. કોઈ તમને ખબર પણ ન પડે અને કોઈ તમારી બદનામી થતી અટકાવે, તમારી ભૂલને ભૂલ ન ગણાવે પણ સમજે, તમારી ગેરહાજરીમાં તમારું સત્ય સૌ સુધી પહોચાડે એ જ મિત્ર ખરેખર “હૃદયનું ઘર” બને છે. સામાન્ય રીતે ગેરહાજરી એટલે ગેરસમજનો દરવાજો. લોકો વચ્ચે ચર્ચાઓ થાય, ટીકા થાય, ખોટા અનુમાનો બંધાય, શંકાઓ થાય, આ બધું સ્વાભાવિક છે. સાચો મિત્ર પક્ષ લે છે પણ પાછળથી નબળી વાત નહિ કરે. જગતમાં સામાન્ય રીતે લોકો માણસની ગેરહાજરીમાં બે કામ કરે છે ઃ એક તેની ટીકા અને બીજું એની ખોટી વાતો. પરંતુ આ બધાની વચ્ચે સાચો મિત્ર ત્રીજું કામ કરે છે કે જ્યાં તમે હાજર ના હોવ ત્યાં તમારી તરફેણ કરીને બોલે છે. જો કોઈ એક વ્યક્તિ એવો મળે જે શાંતિથી, સ્મિત સાથે અને નિષ્ઠાથી કહે કે “માર મિત્રને તમે ખોટો સમજ્યા છો એ એવો નથી,” અને તમારી ગેરહાજરીમાં તમારી પાછળ બોલનાર આવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં જો કોઈ હોય તો જાણજો કે એ માણસ દુનિયાભરની ભીડમાં તમારો અડગ આધાર છે. મિત્રતાની સાચી કિંમત તો ત્યારે અનુભવાય છે, જ્યારે કોઈ તમારી ગેરહાજરીમાં પણ તમારી ‘હાજરી’ બને. લોકો સામે નહીં, પરંતુ તેમની પાછળ તમે કેવા છો એ વિશે સત્ય બોલવાની હિંમત એ મિત્રની વફાદારી અને તમારા પ્રત્યેની સાચી લાગણી દર્શાવે છે. આવો મિત્ર જીવનમાં એક પણ હોય તો સમજજો કે તમે અમીર છો. કારણ કે પૈસા, પ્રતિષ્ઠા, ખ્યાતિ બધું મળી શકે, પરંતુ એવો મિત્ર, જે તમારી છબીનું રક્ષણ પોતાની છબીના જોખમે કરે તો એ તો ભાગ્યથી જ મળે છે. મિત્રતા શબ્દ નથી, મિત્રતા એ એવી છાયા છે, જે આપણી ગેરહાજરીમાં પણ આપણું રક્ષણ કરે છે. માટે એવા લોકોને સાચવો, એવા લોકો સાથે બેસો અને શક્ય હોય તો કોઈના જીવનમાં તમે પણ એવા મિત્ર બનીને રહો. કારણ કે દુનિયાને આજે પણ આવા સારા અને સાચા મિત્રની સૌથી વધુ જરૂર છે. ગેરહાજરીમાં પણ જો કોઈ તમારા સ્વભાવનું રક્ષણ કરે, તમારા સારા ગુણોને યાદ રાખે, તમારા નામને કોઈ બદનામ થતું અટકાવે તો એ માત્ર મિત્ર નહીં, જીવનનો વાસ્તવિક ભરોસો છે. આજે સંબંધો ક્ષણભંગુર છે. સ્વાર્થના યુગમાં નિષ્ઠાવાન મિત્ર મળવો સૌથી વિશેષ ભાગ્ય છે. જે વ્યક્તિ ગેરહાજરીમાં તમારો પક્ષ લે છે એ તમને દિલથી સમજે છે, તમારા ગુણોને માન આપે છે, તમારા સંબંધની કિંમત સમજે છે અને સૌથી મહત્વનું તમારી ગેરહાજરીમાં પણ તમને એકલા પડવા દેતો નથી. અંતમાં મિત્રતા માત્ર સાથે રહેવાનું નામ નથી, મિત્રતા એ વ્યક્તિ છે જે તમારા સિવાય તમને બચાવે છે, તમને ખબર પણ ન પડે તે રીતે. જો તમારા જીવનમાં એવો એક પણ મિત્ર હોય, તો તે મિત્ર તમારા ભાગ્યનું સૌથી કિંમતી રોકાણ છે. અને જો તમે કોઈના જીવનમાં એ મિત્ર છો તો તમે ખરેખર કોઈને ઈશ્વરની મળેલી ભેટ સમાન છો.